
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું અર્ણબ હવે ‘અત્યંત ગંભીર’ શ્રેણીમાં પ્રવેશી ચૂક્યું છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અનેક રાજ્યોમાં ચિંતાનો માહોલ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ સિસ્ટમ ‘ગંભીર ચક્રવાતી તોફાન’માંથી ‘અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન’માં પરિવર્તિત થઈ છે. બુધવારે સવાર સુધીમાં આ વાવાઝોડું આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આવેલા યાનમ આસપાસ દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા છે. લેન્ડફોલ સમયે પવનની ઝડપ 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની આશંકા છે, જે વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે.
હાલમાં, વાવાઝોડું અર્ણબ વિશાખાપટ્ટનમથી આશરે 300 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે અને 23 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. તેની ગતિ અને તીવ્રતામાં વધારો થતાં, હવામાન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર સતર્ક બન્યા છે.
આ કુદરતી આફતને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને દેશના સંભવિત અસરગ્રસ્ત રાજ્યોમાં કરવામાં આવેલી તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી છે. વાવાઝોડાની ગંભીર અસરને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં તંત્રને સંપૂર્ણપણે એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.
આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુએ પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તમામ જિલ્લાઓમાં 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ સ્થાપિત કરવા અને કાંઠાના વિસ્તારોમાં વસતા લોકોને સતત ચેતવણીઓ આપવા માટે આદેશો જારી કર્યા છે. લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની અને રાહત કાર્યો માટેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે.
વાવાઝોડાના પ્રભાવ હેઠળ દક્ષિણ ભારત અને પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે તમિલનાડુ, કેરળ, પુડુચેરી, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યોમાં સ્થાનિક વહીવટીતંત્રને કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ રહેવા સૂચના અપાઈ છે.
આ ઉપરાંત, ઓડિશા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાના પરોક્ષ પ્રભાવ હેઠળ ઝારખંડ, બિહાર અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પણ આગામી 26 થી 29 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નાગરિકોને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને જરૂરી ઇમરજન્સી સામગ્રી તૈયાર રાખવાની અપીલ કરવામાં આવી છે.
તમિલનાડુની જેલમાં ફિલ્મી દ્રશ્યો, 17 કેદીઓ ફરાર, પોલીસકર્મીઓ પર કર્યો હુમલો, જુઓ Video