Breaking News : બંગાળની ખાડીમાં સક્રિય ‘અકવાન’ વાવાઝોડું, IMD દ્વારા ભારે વરસાદ અને પવનની આગાહી

ચક્રવાત અકવાન 20 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે નેલ્લોર અને તૂની વચ્ચે 145 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું આ ડીપ ડિપ્રેશન ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતા છે. IMD અનુસાર, અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને નુકસાનની આશંકા છે.

Breaking News : બંગાળની ખાડીમાં સક્રિય અકવાન વાવાઝોડું, IMD દ્વારા ભારે વરસાદ અને પવનની આગાહી
| Updated on: Nov 17, 2026 | 4:56 PM

બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હવે વધુ શક્તિશાળી બની રહ્યું છે અને તેના કારણે દેશ પર ચક્રવાત અકવાનનો ખતરો તોળાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની તાજેતરની આગાહી મુજબ, આ સિસ્ટમ ખૂબ જ ઝડપથી ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે. 19 નવેમ્બરની સવાર સુધીમાં, આ વાવાઝોડું સિવિયર સાયક્લોનિક સ્ટોર્મનું સ્વરૂપ ધારણ કરે તેવી પ્રબળ શક્યતા છે, જે દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ગંભીર પરિસ્થિતિ ઊભી કરી શકે છે.

સૌથી ચિંતાજનક બાબત એ છે કે 20 નવેમ્બરે બપોરના સમયે આ વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. IMD દ્વારા વ્યક્ત કરાયેલી સંભાવના મુજબ, આ વાવાઝોડું નેલ્લોર અને તૂની વચ્ચેના દરિયાકાંઠે લેન્ડફોલ કરશે. લેન્ડફોલ સમયે પવનની ગતિ 120 થી 130 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે, પરંતુ તેની તીવ્રતા 145 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે, જે વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે.

ચક્રવાત અકવાનના સંભવિત લેન્ડફોલને પગલે આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને મોટા પાયે નુકસાનની આશંકા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં 16 થી 22 નવેમ્બર દરમિયાન ભારે વરસાદ ખાબકી શકે છે.

ભારે પવન અને મૂશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ

આંધ્રપ્રદેશ અને યનમમાં પણ 16 થી 18 નવેમ્બર તેમજ 21 નવેમ્બરના રોજ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, તેલંગાણામાં 20 થી 22 નવેમ્બર વચ્ચે અનેક સ્થળોએ વરસાદની શક્યતા છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહાર જેવા રાજ્યોમાં પણ મૂશળધાર વરસાદ વરસે તેવી સંભાવના છે. ભારે પવન અને મૂશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ શકે છે.

આ વાવાઝોડાનું નામ અકવાન ઈરાન દ્વારા આપવામાં આવ્યું છે. આ નામનો સંબંધ પૌરાણિક ફારસી કથાઓમાંથી છે. પ્રસિદ્ધ ફારસી મહાકાવ્ય શાહનામામાં અકવાન એ દીવ તરીકે ઓળખાતા એક રાક્ષસી પાત્રનું નામ છે, અને તે પરથી આ વાવાઝોડાને આ નામ અપાયું છે.

આઇએમડી સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સમય સમય પર અપડેટ્સ જારી કરી રહ્યું છે. સ્થાનિક સત્તાવાળાઓને સાવચેતીના પગલાં લેવા અને લોકોને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.

Google પાસે છે તમારા અવાજ અને લોકેશનનો રેકોર્ડ! જાણો કેવી રીતે ડિલીટ કરશો હિસ્ટ્રી 

Published On - 4:50 pm, Tue, 17 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.