ઓડિશાના બાલાસોરના બહનાગા પાસે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો છે. ત્રણ ટ્રેનો (હાવડા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, યશવંતપુર-હાવડા એક્સપ્રેસ અને માલસામાન ટ્રેન) એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 233 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.
આ ઘટના બાદ દરેકના મનમાં એક જ સવાલ છે કે આ દર્દનાક ઘટના કેવી રીતે બની? કારણ કે શરૂઆતમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે કોરોમંડલ એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે ટકરાઈ હતી. પરંતુ તપાસ બાદ રેલવેએ જણાવ્યું કે સામસામે આવવાને બદલે ત્રણ ટ્રેનો એકસાથે ટકરાઈ હતી. જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.
દિલ્હી રેલવે હેડક્વાર્ટર અનુસાર, કોરોમંડલ એક્સપ્રેસ શાલીમાર સ્ટેશનથી ચેન્નાઈ માટે રવાના થઈ હતી. જ્યારે ટ્રેન ઓડિશાના બહનાગા બજાર સ્ટેશન પર પહોંચી ત્યારે યશવંતપુર-હાવડા એક્સપ્રેસ વિરુદ્ધ દિશામાંથી આવી રહી હતી. સુપરપાસ્ટ કોરોમંડલ એક્સપ્રેસ તેજ ગતિએ દોડી રહી હતી. જોકે જસવંતપુર-હાવડા એક્સપ્રેસની સ્પીડ વધારે નહોતી. બંને ટ્રેનો એકબીજાની બાજુમાં પસાર થઈ રહી હતી.
આ દરમિયાન યશવંતપુર-હાવડા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી અને બાજુમાંથી કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. આ ટક્કરને કારણે હાઈસ્પીડ કોરોમંડલ એક્સપ્રેસ પણ પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોરોમંડલ એક્સપ્રેસની બાજુમાં ટ્રેક પર બીજી એક માલગાડી હતી. પાટા પરથી ઉતરેલી કોરોમંડલ એક્સપ્રેસ પણ તે માલગાડીને ટક્કર મારી હતી.
આ પછી એવું બન્યું કે કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન માલગાડી પર ચઢી ગયું. રેલવેએ જણાવ્યું કે કોરોમંડલ એક્સપ્રેસ અને યશવંતપુર એક્સપ્રેસ બંને ટ્રેનો જે ઝડપે સામસામે દોડી રહી હતી. એક ટ્રેન ક્યારેય બીજી ટ્રેનની ઉપર ચઢતી નથી. આ પછી રેલ્વે એન્જિનિયરો ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી.
પ્રાથમિક તપાસ બાદ તેમને સમજાયું કે કોઈ ટ્રેન સામસામે ટકરાઈ નથી. જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી કેવી રીતે ઉતરી. અકસ્માત બાદ રેલવે તપાસ સમિતિના સભ્યો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમના તપાસ રિપોર્ટ બાદ કદાચ આ અકસ્માતનું સાચું કારણ જાણી શકાશે.
Published On - 7:24 am, Sat, 3 June 23