વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી છે જેને લઈને ન માત્ર ખેડૂતો પરંતુ કોંગ્રેસમાં પણ ખુશી જોવા મળી રહી છે. આંદોલન કરી રહેલા ખેડૂતોને કોંગ્રેસ પહેલાથી જ સપોર્ટ કરી રહ્યુ હતુ, હવે આ નિર્ણય આવતા કોંગ્રેસ ખેડૂતો સાથે કિસાન વિજય દિવસ ઉજવશે.
રાજ્ય એકમોને મોકલવામાં આવેલા પત્રમાં કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે ”ખેડૂતોના આંદોલન અને બલિદાન અને કોંગ્રેસ અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં સંયુક્ત વિપક્ષની લડાઈ બાદ આ ત્રણ કાયદાઓ રદ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે અનિષ્ટ પર સામૂહિક વિજય આપણા દેશના અન્નદાતાઓને સમર્પિત છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે રાષ્ટ્રને સંબોધનમાં ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે હું તમને અને આખા દેશને કહેવા આવ્યો છું કે અમે ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાનો નિર્ણય કર્યો છે. આ મહિનાના અંતમાં શરૂ થતા સંસદના સત્રમાં અમે આ ત્રણ કૃષિ કાયદાઓને પરત ખેંચવાની બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરીશું.
વડાપ્રધાન મોદીની જાહેરાત બાદ લગભગ એક વર્ષથી સિંધુ બોર્ડર પર પડાવ નાંખી રહેલા ખેડૂતોએ ટ્રેક્ટર પર મ્યુઝિક સિસ્ટમની ધૂન પર નાચ્યા હતા અને આનંદ સાથે મીઠાઈઓ વહેંચી હતી. જોકે આંદોલનકારીઓએ આગ્રહ કર્યો છે કે લડાઈ પૂરી થઈ નથી અને વિરોધ સ્થળ, જે એક વર્ષથી તેમના ઘરમાં ફેરવાઈ ગયું છે, તે ખાલી કરવામાં આવશે નહીં. તેમણે કહ્યુ કે અમે જાણતા હતા કે કાયદો રદ કરવાનો નિર્ણય બાબાજીની કૃપાથી આવશે અને તે ગુરુ પર્વ પર આવ્યો છે. અમને ગુરુ નાનક દેવ જીના આશીર્વાદ છે.
આ પણ વાંચો: Viral : યુવકના ખતરનાક સ્ટંટે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ ! આ સ્ટંટ જોઈને યુઝર્સે કહ્યું “હિંમત હોય તો જ જુઓ”
આ પણ વાંચો: કારતકમાં મેઘ તાંડવ ! આંધ્રપ્રદેશના તિરુચાનુરમાં પત્તાની જેમ બે માળની ઈમારત પૂરમાં ગરકાવ, જુઓ Video