જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન હાથ કર્યું છે. કાશ્મીર ખીણ વિસ્તારની શાંતિ છીનવી લેનારા આ આતંકવાદીઓને, સૈન્ય જવાનો દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા મળેલા એક ઇનપુટ પછી, શોપિયાંમાં આજે એન્કાઉન્ટર શરૂ કરાયું છે. જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લાના મુંઝ માર્ગ વિસ્તારમાં, સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં લશ્કર-એ-તૈયબા (LeT)ના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે, એમ ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરવાની પ્રક્રીયા ચાલી રહી છે.
કાશ્મીર ઝોન પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા 03 આતંકવાદીઓ, સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં માર્યા ગયા છે. આ ત્રણેય આતંકવાદીઓની ઓળખ સહીતની બાકીની વિગતોની તપાસ ચાલી રહી છે. આ આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં ક્યાથી પહોંચ્યા હતા. તેમને અહીં કોણે કોણે મદદ કરી? આ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ એક ટ્વિટમાં, કાશ્મીર ઝોન પોલીસે કહ્યું હતું કે, “આ એન્કાઉન્ટર શોપિયાં જિલ્લાના મુંઝ માર્ગ વિસ્તારમાં શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળો મોરચા પર તહેનાત છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસે સોમવારે રાત્રે રાજૌરી જિલ્લામાં આર્મી કેમ્પની બહાર ફાયરિંગની ઘટનાની તપાસ કરવા માટે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી હતી. આર્મી કેમ્પની બહાર ફાયરિંગની ઘટનામાં બે નાગરિકો માર્યા ગયા હતા. શુક્રવારે, આ ઘટનાના વિરોધમાં વ્યાપક વિરોધ થયો હતો. સમગ્ર ઘટનામાં બે નાગરિકો માર્યા ગયા હતા અને અન્ય કેટલાક ઘાયલ થયા હતા. લોકોએ આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. સેનાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે કેટલાક અજાણ્યા આતંકવાદીઓએ કેમ્પ પર ગોળીબાર કર્યો હતો, જ્યારે પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો કે, ગેટ પર તૈહેનાત એક જવાને સ્થાનિકો પર ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે નાગરિકો માર્યા ગયા હતા.
( With input PTI )