ચારધામ યાત્રા માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ઉતરાખંડ પર્યટન વિભાગના પોર્ટલ સવારે સાત વાગ્યે શરુ થયું છે. ભક્તોની સુવિધા માટે યાત્રા શરૂ થવાના બે મહિના અગાઉથી એડવાન્સ બુકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. એપ્રિલ મહિનામાં ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે. કેદારનાથ અને બદ્રીનાથ ધામના પોર્ટલ 25 એપ્રિલ અને 27 એપ્રિલે ખુલશે.
આજે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં ચારધામ યાત્રાની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાશે અને તેમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવશે. ચાર ધામ યાત્રાની વ્યવસ્થા અને ભક્તોની સુવિધા માટે બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવી શકે છે. ગત વર્ષે ચારધામમાં ઉમટેલી શ્રદ્ધાળુઓની ભીડને જોતા આ વખતે પણ, વહીવટીતંત્ર દ્વારા દર્શન માટે ભક્તોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
અહેવાલો અનુસાર, બદ્રીનાથ માટે દરરોજ લગભગ 18 હજાર, કેદારનાથ ધામ માટે 15 હજાર, ગંગોત્રીમાં નવ હજાર અને યમનોત્રી માટે છ હજાર મુસાફરોની સંખ્યા નક્કી કરવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
આ ઉપરાંત ચારધામ યાત્રાના રૂટ પર ખાણી-પીણી અને આરોગ્યની સુવિધાઓ, કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં શ્રદ્ધાળુઓનું રોકાણ, બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં વીઆઈપી દર્શન માટે ફી નક્કી કરવી, બસોનું સંચાલન, ઘોડા ખચ્ચરનું આરોગ્ય તપાસવું, ચાલવાના માર્ગો પર હોટ સ્પોટ, પાણીની વ્યવસ્થા, શેડ, રસ્તાના સમારકામ સહિતની અનેક બાબતો અંગે નિર્ણય લેવાશે.
આ વખતે ઉત્તરાખંડ પ્રવાસન વિભાગે નોંધણીને લઈને ચાર વિકલ્પો આપ્યા છે. ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ટુરીઝમ વિભાગની વેબસાઈટ registrationandtouristcare.uk.gov.in, વોટ્સએપ નંબર 8394833833, ટોલ ફ્રી નંબર 1364 અને મોબાઈલ એપ ટુરીસ્ટકેર ઉત્તરાખંડ દ્વારા કરી શકાશે. સવારે 7 વાગ્યાથી વેબસાઈટ, ટોલ ફ્રી નંબર, વોટ્સએપ નંબર અને મોબાઈલ એપ પર રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ચારધામ માટે ભક્તો પોતાની સુવિધા અનુસાર વેબસાઈટ, વોટ્સએપ નંબર, ટોલ ફ્રી નંબર અને મોબાઈલ એપ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.