લેખક- આશિષ મહેતા
Char Dham Yatra : વિંસ્ટન ચર્ચિલે (Winston Churchill) કહ્યું હતું કે, ભારતને ભૌગોલિક એકમ તરીકે જાળવી રાખવામાં અંગ્રેજોના ડ્રાફ્ટિંગ બોર્ડે ઘણું યોગદાન આપ્યું હતું. પરંતુ ચર્ચિલના આ દાવાના જવાબમાં અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે સદીઓ પહેલા આદિ શંકરાચાર્યે (Adi Shankaracharya) ચાર ધામ યાત્રાની કલ્પના ઘડીને કંઈક આવું જ કર્યું હતું. તેમના દ્વારા સૂચિત ચાર પવિત્ર યાત્રાધામોમાં ભારતના ચાર ખૂણા દ્વારકા, બદ્રીનાથ, પુરી અને રામેશ્વરમનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ‘ચાર ધામ’ સર્કિટ પણ હતી, જેમાં ‘દેવ ભૂમિ’ના ચાર સ્થળો યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથને આવરી લેવામાં આવ્યા હતા.
આદિ શંકરાચાર્યની ભારતને ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે જાળવી રાખવાની કલ્પના
આદિ શંકરાચાર્યની ભારતને ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે સંયુક્ત અસ્તિત્વ તરીકે જાળવી રાખવાની કલ્પના આ બે તીર્થયાત્રાઓ સાથે સમાપ્ત થતી નથી. તેમણે સદીઓથી હિન્દુઓ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે અન્ય માન્યતાઓ પણ સ્થાપિત કરી. તેઓ કહેતા કે બરફથી ઢંકાયેલા કેદારનાથ મંદિરના મુખ્ય પૂજારી દક્ષિણમાં સ્થિત કર્ણાટક રાજ્યના વીરશવ સમુદાયના હશે. એ જ રીતે, બદ્રીનાથના પુજારી કેરળના નામ્બુદિરી સમુદાયના રહેશે.
ભાજપ સરકારે આ પરંપરાની અવગણના કરી
અંગ્રેજોના શાસન દરમિયાન પણ આ પરંપરા અને તેની પાછળના તર્કનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી બદ્રીનાથ-શ્રી કેદારનાથ અધિનિયમ 1939એ આ વ્યવસ્થાને આધુનિક કાનૂની શરતો સાથે ઔપચારિક બનાવી છે. તેથી જ જ્યારે ઉત્તરાખંડની (Uttrakhand) ભાજપ સરકારે આ પરંપરાની અવગણના કરી એટલું જ નહીં પરંતુ આ કાયદાને હટાવી દીધો ત્યારે તે ખૂબ જ આશ્ચર્યજનક હતું. ચાર ધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ એક્ટ 2019 હેઠળ, સરકારે ચાર ધામ અને 45 અન્ય મંદિરોનો વહીવટ સંભાળ્યો છે.
છેલ્લા એક દાયકામાં આ ધાર્મિક સ્થળોએ જનારા યાત્રિકોની સંખ્યામાં અચાનક વધારો થયો છે. દશેરા બાદ કેદારનાથ મંદિરની 14 કિમી લાંબી અને મુશ્કેલ યાત્રા ભાગ્યે જ જોવા મળી હતી, કોરોના કાળ દરમિયાન મંદિરના દરવાજા છ મહિના માટે બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આ દિવસોમાં ચાર ધામ યાત્રામાં પહેલા જેવી જ ભીડ જોવા મળી છે. સ્વાભાવિક છે કે ભક્તોની સંખ્યામાં વધારો થવાને કારણે મંદિરોના દાનમાં પણ જબરદસ્ત વધારો થયો છે.
મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતનો વિરોધ થયો
પૂજારીઓની નારાજગીને કારણે મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને પણ બદલવામાં આવ્યા હતા કારણ કે તેઓ આ બિલ લાવ્યા હતા. તેમના અનુગામી તીરથ સિંહ રાવતે પણ ચાર ધામ પુજારીના અધિકારો પર ધ્યાન આપ્યું ન હતું અને તેથી તેઓ લાંબો સમય ટકી શક્યા ન હતા. તેમના અનુગામી પુષ્કર સિંહ ધામી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેથી, જેમ કેન્દ્ર સરકારે એગ્રીકલ્ચર એક્ટને રદ્દ કર્યો, તેમ ધામીએ ચૂંટણીના ત્રણ મહિના પહેલા દેવસ્થાનમ બોર્ડનું વિસર્જન કર્યું.
ભાજપ પાસે કોઈ વિકલ્પ નહોતો
ઉલ્લેખનીય છે કે, દિવાળી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેદારનાથ યાત્રા પહેલા જ ધામી મંદિરમાં પૂજારીઓને શાંત કરવા પહોંચ્યા હતા. તેમણે વચન આપ્યું હતું કે, 30 નવેમ્બર સુધીમાં તેઓ જરૂરી નિર્ણય લેશે. એટલું જ નહીં, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સતત કહી રહી હતી કે તેઓ સત્તામાં આવતાની સાથે જ આ વિવાદાસ્પદ કાયદાને રદ કરશે. આ સ્થિતિમાં વડાપ્રધાન પાસે પોતાનું વચન નિભાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો.
દાન અને દક્ષિણા લેવાનો પુરોહિતોને અધિકાર છે ?
ત્યારે સવાલ એ છે કે શું યાત્રિકો પાસેથી દેવી-દેવતાઓને દાન અને દક્ષિણા લેવાનો પુરોહિતોને અધિકાર છે ? મંદિરોની નિયમિત જાળવણી અને કર્મચારીઓના પગાર સિવાય મંદિરોને મળતા લાખો અને કરોડો રૂપિયાનું દાન ક્યાં ખર્ચાય છે તે ખબર નથી. આ મામલે સરકારનો હસ્તક્ષેપ મામલાને રાજકીય બનાવે છે, પરંતુ સરકાર લોકોનું પ્રતિનિધિત્વ કરે છે તેમાં કોઈ શંકા નથી.
ભાજપનું બેવડુ વલણ
રાજનીતિના કારણે જ આ મહત્વની ચર્ચાને યોગ્ય રીતે ઉઠાવવામાં આવી રહી નથી. જો કે, આ વર્ષે જ્યારે ઉત્તરાખંડના ચાર ધામોના પૂજારીઓ તેમના પરંપરાગત અધિકારોના સંપાદન સામે ભાજપ સરકાર સામે વિરોધ કરી રહ્યા હતા, ત્યારે ભાજપ પણ આવા જ મુદ્દા પર કેરળમાં પોતાનો વિરોધ નોંધાવી રહ્યું હતું.
આ વર્ષની શરૂઆતમાં, ગૃહ પ્રધાન અમિત શાહ કેરળમાં એક ઝુંબેશનું નેતૃત્વ કરી રહ્યા હતા જેનો ઉદ્દેશ્ય હતો કે હિંદુ મંદિરોને સરકારી “દખલગીરીમાંથી મુક્તિ”. કોલ્લમ જિલ્લાના ચથાનુર શહેરમાં જાહેર રેલી દરમિયાન અમિત શાહે 24 માર્ચે કહ્યું હતું કે, “ભાજપ માને છે કે સરકારોએ મંદિરો સંબંધિત મુદ્દાઓમાં દખલ ન કરવી જોઈએ.” ત્યારે ક્યાંકને ક્યાંક આ મુદે બાજપ પક્ષનું બેવડુ વલણ જોવા મળી રહ્યુ છે.
આ પણ વાંચો : ભારતે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેની માર્ગદર્શિકામાં 1 ડિસેમ્બરથી કર્યો છે સુધારો, જાણો તમામ વિગતો
આ પણ વાંચો : માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝની ધરપકડ અંગે યુએનની ટિપ્પણી પર ભારતે નારાજગી વ્યક્ત કરી, OHCHR પર નિશાન સાધ્યું
Published On - 6:56 pm, Thu, 2 December 21