તમિલનાડુના (Tamil Nadu) કુન્નુરમાં ક્રેશ થયેલા ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં (Helicopter Crash) સવાર તમામ લોકોના મૃતદેહને દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે ભારતીય વાયુસેનાના C-130J સુપર હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ દ્વારા તમામ 13 મૃતદેહોને સુલુરથી દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સુલુરથી દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે. જનરલ રાવત, તેમની પત્ની અને બ્રિગેડિયર એલએસ લિડર સહિત ચાર મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi), સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે આજે સાંજે પાલમ ટેકનિકલ વિસ્તારમાં CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને 11 અન્ય કર્મચારીઓના પાર્થિવ શરીરને શ્રદ્ધાંજલિ આપવા હાજર રહી શકે છે.
આ પ્લેન સાંજે લગભગ 8:00 વાગે દિલ્હીમાં ઉતરશે. કહેવામાં આવ્યું છે કે તમામ મીડિયાકર્મીઓને સાંજે 7 વાગ્યા સુધીમાં એરફોર્સ સ્ટેશન પાલમના કુરિયર ગેટ પર પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. 7.15 વાગ્યા સુધીમાં દરવાજા બંધ કરી દેવામાં આવશે.
એર માર્શલ માનવેન્દ્ર સિંહના નેતૃત્વમાં તપાસ કરવામાં આવશે
સાથે જ હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં પોતાના સંબોધનમાં આ જાણકારી આપી. સંરક્ષણ પ્રધાને કહ્યું કે ભારતીય વાયુસેના દ્વારા ટ્રાઈ સર્વિસ ટીમને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેનું નેતૃત્વ એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ ટ્રેનિંગ કમાન્ડ એર માર્શલ માનવેન્દ્ર સિંહ (Air Marshal Manvendra Singh) કરશે. રાજનાથ સિંહે કહ્યું કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા છે.
માનવેન્દ્ર સિંહ હેલિકોપ્ટર પાઈલટ છે
બીજી તરફ, IAF અધિકારીઓએ જણાવ્યું હતું કે એર માર્શલ માનવેન્દ્ર સિંહ ગઈ કાલે ક્રેશ થયેલા IAFના Mi-17ની ટ્રાઈ સર્વિસ તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે. માનવેન્દ્ર સિંહ ભારતીય વાયુસેનાના ટ્રેનિંગ કમાન્ડના કમાન્ડર છે અને પોતે હેલિકોપ્ટર પાઇલટ છે. નોંધનીય છે કે જનરલ રાવત બુધવારે બપોરે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરવા વેલિંગ્ટન જઈ રહ્યા હતા ત્યારે એરફોર્સનું હેલિકોપ્ટર પહાડીઓમાં ક્રેશ થયું હતું.
આ પણ વાંચો : UP Election 2022: યુવાનોને આકર્ષવામાં ભાજપ વ્યસ્ત, કુસ્તીબાજ બબીતા ફોગટ સહીત 6 જણાને યુવા મોરચાના પ્રભારી બનાવ્યા