નોકરીના બદલામાં જમીન કૌંભાડના મામલામાં સીબીઆઈએ, બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન લાલુ પ્રસાદ યાદવ અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવી સહિત 17 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. લાલુ પ્રસાદ યાદવ જ્યારે રેલવે પ્રધાન હતા ત્યારે જમીન લઈને રેલવેમાં ગ્રુપ ડીમાં નોકરી આપવાનો કેસ સામે આવ્યો હતો.
નોકરીના બદલામાં જમીન કૌંભાડ કેસની 2021 માં, સીબીઆઈએ તપાસ શરૂ કરી હતી, જે મુજબ પટનાના 12 લોકોને નોકરી આપવામાં આવી અને નોકરીના બદલામાં જમીન લેવાનો મામલો સામે આવ્યો. આમાં ઘણી જમીન લાલુ પ્રસાદ યાદવના પરિવારના સભ્યોના નામે છે. આ સમગ્ર મામલે 12 જુલાઈએ સુનાવણી થશે.
વર્ષ 2006-07માં એક કંપની એ.કે. ઇન્ફોસિસ્ટમ, જેણે 6-7 જમીનોની નોંધણી કરી હતી, તે સમયે રજિસ્ટ્રીમાં જમીનની કિંમત લગભગ 2 કરોડ દર્શાવવામાં આવી હતી, જ્યારે બજાર કિંમત લગભગ 10 કરોડ હતી. નોકરીના બદલામાં જમીનના મામલામાં સીબીઆઈએ બે એફઆઈઆર નોંધી હતી, પ્રથમ એફઆઈઆરમાં લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવી અને અન્ય ઘણા લોકો સામે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે, બાદમાં તે કેસમાં સીબીઆઈ દ્વારા બીજી એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેજસ્વી યાદવ સામે પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે.
23 જૂને પટનામાં વિપક્ષ દ્વારા આયોજિત સામાન્ય સભા પહેલા તેજસ્વી યાદવે આશંકા વ્યક્ત કરી હતી કે, બેઠક પહેલા જ તેમની સામે ચાર્જશીટ દાખલ થઈ શકે છે. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે તેજસ્વી યાદવ ઘણીવાર કહેતા હતા કે તે સગીર હતો. આ મામલામાં સીબીઆઈએ તેજસ્વી યાદવને ત્રણ વખત પૂછપરછ માટે બોલાવ્યા, નોટિસ આપી પરંતુ તેઓ ગયા નહીં અને આખરે બિહાર વિધાનસભાનું બજેટ સત્ર પૂરું થયા બાદ તેઓ પૂછપરછ માટે સીબીઆઈ સમક્ષ હાજર થયા હતા.
દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો