
NEET UG 2026 પેપર લીક મામલામાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ મોટી કાર્યવાહી કરતા લાતુર સ્થિત રેણુકાઈ કરિયર સેન્ટર (RCC) ના સંચાલક શિવરાજ રઘુનાથ મોટેગાવકરની ધરપકડ કરી લીધી છે. સીબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા ધરપકડના દસ્તાવેજોમાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.
CBI ના જણાવ્યા અનુસાર, શિવરાજ મોટેગાવકર પેપર લીક કરનારી સંગઠિત ગેંગના સક્રિય સભ્ય હતા અને તેમણે પરીક્ષા પહેલા જ NEET UG 2026 ના પ્રશ્નપત્રો તેમજ જવાબો મેળવી લીધા હતા.
News Alert ! NEET UG paper leak: CBI arrests Renukai Chemistry Classes (RCC) founder Shivraj Raghunath Motegaonkar from Latur, say officials. pic.twitter.com/EvL4G2HhZO
— Press Trust of India (@PTI_News) May 18, 2026
સીબીઆઈએ 14 મે 2026 ના રોજ લાતુર સ્થિત મોટેગાવકરના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન તેમના મોબાઈલ ફોનમાંથી નીટ યુજી 2026 ના લીક થયેલા પ્રશ્નપત્રો મળી આવ્યા હતા. ત્યારબાદ એજન્સીએ તેમની અટકાયત કરીને લાંબી પૂછપરછ કરી અને રવિવાર 17 મે 2026 ના રોજ સાંજે 7:15 વાગ્યે પુણે સ્થિત સીબીઆઈ ઓફિસમાં ઔપચારિક રીતે તેમની ધરપકડ કરી લીધી.
તપાસ એજન્સીનો દાવો છે કે, મોટેગાવકરે લીક થયેલા પ્રશ્નપત્રો અને જવાબો ઘણા વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકો સુધી પહોંચાડ્યા હતા. જો કે, પૂછપરછ દરમિયાન તેમણે એ લાભાર્થી વિદ્યાર્થીઓના નામ જણાવવાનું ટાળવાનો પ્રયાસ કર્યો હતો. સીબીઆઈના દસ્તાવેજોમાં એવો પણ ઉલ્લેખ છે કે, પરીક્ષા પુરી થયા બાદ પુરાવા નાશ કરવાના હેતુથી પ્રશ્નપત્રો નષ્ટ કરવામાં આવ્યા હતા, જેથી તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકાય.
સીબીઆઈએ શિવરાજ મોટેગાવકર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PC Act) અને સાર્વજનિક પરીક્ષા અધિનિયમ 2024 હેઠળ ગુનો નોંધ્યો છે. તેમના પર છેતરપિંડી, ગુનાહિત કાવતરું, પરીક્ષા પ્રણાલીમાં ભ્રષ્ટાચાર અને પુરાવા નાશ કરવા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
સીબીઆઈએ જણાવ્યું છે કે, આરોપીએ હજુ સુધી એ તમામ વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓની માહિતી આપી નથી, જેમને લીક પેપર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ ધરપકડ બાદ લાતુર સહિત સમગ્ર મહારાષ્ટ્રના શૈક્ષણિક ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સીબીઆઈ હવે આ આખા નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.