બિહાર (Bihar) સરકારને પટના હાઈકોર્ટમાંથી (Patna High Court) મોટી રાહત મળી છે. જાતિ ગણતરી પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. તેની સામે દાખલ કરાયેલી અરજીઓ ફગાવી દેવામાં આવી છે. આ નિર્ણય બાદ બિહારમાં ફરી એકવાર જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ થશે. અગાઉ હાઈકોર્ટે જ જાતિ ગણતરી પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આ મામલો ફરી પાછો પટના હાઈકોર્ટમાં મોકલી દીધો હતો. ત્યારબાદ હાઈકોર્ટમાં આ અંગેની સુનાવણી 5 દિવસ સુધી ચાલી હતી. 7 જુલાઈએ કોર્ટે આ અંગે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. પટના હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો આપતા જાતિ આધારિત વસ્તી ગણતરી પરનો પ્રતિબંધ હટાવ્યો છે.
ચીફ જસ્ટિસ વિનોદ ચંદ્રન અને જસ્ટિસ પાર્થ સારથીની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. એડવોકેટ દિનુ કુમારે કહ્યું કે, ન્યાયાધીશે માત્ર એક લીટીમાં કહ્યું કે અરજીઓ ફગાવી દેવામાં આવે છે. હવે અમે તેની સામે સુપ્રીમ કોર્ટમાં જઈશું. આ સર્વે 2 તબક્કામાં થવાનો હતો. પ્રથમ તબક્કો જાન્યુઆરીમાં યોજાયો હતો. જ્યારે બીજો તબક્કો 15 એપ્રિલથી શરૂ થયો હતો.
આ સમગ્ર પ્રક્રિયા આ વર્ષના મે મહિના સુધીમાં પૂર્ણ થવાની હતી. જોકે, 4 જુલાઈએ હાઈકોર્ટે તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જસ્ટિસ વિનોદ ચંદ્રન અને મધુરેશ પ્રસાદની ખંડપીઠે 3 અરજીઓની માગણીને સ્વીકારીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણય સામે બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.
વસ્તી ગણતરી સામે 7 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. પ્રથમ પ્રતિબંધ લગાવતી વખતે હાઈકોર્ટે કહ્યું હતું કે, રાજ્ય સરકારને વસ્તી ગણતરી કરવાનો અધિકાર નથી. મળતી માહિતી મુજબ, વસ્તી ગણતરીનું લગભગ 80% કામ થઈ ગયું છે. બિહારમાં 7 જાન્યુઆરીથી જાતિ વસ્તી ગણતરી શરૂ થઈ હતી. આ ગણતરીનો રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : Bihar: બિહારના વૈશાલીમાં મોટી લૂંટ, બંદૂકધારી 5 બદમાશોએ બેંકમાંથી લૂંટ્યા 2 કરોડ રૂપિયા
એવું માનવામાં આવે છે કે 2024ની લોકસભા અને 2025ની વિધાનસભા ચૂંટણી પર તેની અસર પડશે. રાજ્યમાં OBC અને EBCની વસ્તી 52% થી વધુ છે. તેથી જ વસ્તીના હિસાબે અનામતનો દાવ રમવાની તૈયારીઓ થઈ રહી છે. નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ તેનાથી લાભની અપેક્ષા રાખી રહ્યા છે.