
BRICS Summit 2026: નવી દિલ્હીમાં 18મી BRICS સમિટની શરૂઆત થઈ ગઈ છે. 12 સપ્ટેમ્બરના રોજ સમિટના પ્રથમ દિવસે ભારત મંડપમ ખાતે અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિમંડળો એકઠા થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સમિટમાં 21 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીના સંબોધન સાથે સમિટની ઔપચારિક શરૂઆત થઈ હતી.
સમિટને સંબોધતા PM મોદીએ કહ્યું કે આજે દુનિયામાં કેટલાક દેશો જ નિર્ણયો લઈ રહ્યા છે, પરંતુ વૈશ્વિક સ્તરે દરેક દેશની વાત સાંભળવી જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે BRICSમાં તમામ દેશોને સમાન અધિકાર છે અને આ સંગઠન કોઈ દેશની વિરુદ્ધ નથી. BRICSનો હેતુ પરસ્પર સહયોગ અને વિકાસને વધુ મજબૂત બનાવવાનો છે.
સમિટ દરમિયાન PM મોદીએ ભારત મંડપમ ખાતે એક પછી એક તમામ રાષ્ટ્રાધ્યક્ષોનું સ્વાગત કર્યું હતું. રામેશ્વરમ મંદિરની થીમ આધારિત બેકડ્રોપ સામે નેતાઓ સાથે ફોટો સેશન પણ યોજાયું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને રામેશ્વરમ મંદિર વિશે પણ માહિતી આપી હતી.
BRICS સમિટના પ્રથમ દિવસે સભ્ય દેશોએ સંયુક્ત દિલ્હી ડિક્લેરેશન 2026 જાહેર કર્યું હતું. આ ઘોષણાપત્રમાં અનેક વૈશ્વિક મુદ્દાઓ પર સભ્ય દેશોએ પોતાની સહમતિ વ્યક્ત કરી હતી. BRICS દેશોએ એકતરફી સૈન્ય કાર્યવાહીનો વિરોધ કરવાની સાથે એકતરફી ટેરિફ અને વેપાર અવરોધો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત વિકાસ, વેપાર અને વૈશ્વિક સહયોગ માટે સાથે મળીને કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
BRICSની મૂળ ભાવના તરીકે પરસ્પર સન્માન, સંપ્રભુ સમાનતા, એકતા, લોકશાહી, ખુલ્લાપણું અને સહમતિ પર ભાર મૂકવામાં આવ્યો છે. વિસ્તૃત BRICSમાં રાજકીય અને સુરક્ષા, આર્થિક અને નાણાકીય તેમજ સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંપર્ક જેવા ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાની વાત કરવામાં આવી છે.
દિલ્હી ડિક્લેરેશનમાં ગ્લોબલ સાઉથનો અવાજ વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. વિકાસશીલ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓને વૈશ્વિક સંસ્થાઓમાં વધુ ભાગીદારી આપવાની માંગ કરવામાં આવી છે. આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાના દેશોને વૈશ્વિક નિર્ણય પ્રક્રિયામાં વધુ પ્રતિનિધિત્વ મળે તે અંગે પણ BRICS દેશોએ ભાર મૂક્યો છે.
BRICSએ પોતાને ગ્લોબલ સાઉથનો અવાજ ઉઠાવતું મહત્વપૂર્ણ મંચ ગણાવ્યું છે. સાથે જ સંયુક્ત રાષ્ટ્ર અને ખાસ કરીને સુરક્ષા પરિષદ એટલે કે UNSCમાં સુધારાની માંગ ફરી એકવાર કરવામાં આવી છે.
BRICS દેશોએ UNSCને વધુ લોકતાંત્રિક, પ્રતિનિધિત્વપૂર્ણ અને અસરકારક બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. ભારત અને બ્રાઝિલને UNSCમાં વધુ મહત્વપૂર્ણ ભૂમિકા આપવાની દાવેદારીને સમર્થન આપવામાં આવ્યું છે. ચીન અને રશિયાએ પણ ભારત અને બ્રાઝિલની મોટી ભૂમિકા માટેના સમર્થનને પુનરાવર્તિત કર્યું છે.
આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રના ટોચના પદો પર વિકાસશીલ દેશો તેમજ મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની વાત પણ કરવામાં આવી છે.
BRICS દેશોએ IMF અને વર્લ્ડ બેંક જેવી વૈશ્વિક નાણાકીય સંસ્થાઓમાં વિકાસશીલ દેશોની ભાગીદારી અને અવાજ વધારવાની માંગ કરી છે. બ્રેટન વુડ્સ સંસ્થાઓની ગવર્નન્સ વ્યવસ્થાને આજની વૈશ્વિક અર્થવ્યવસ્થા અનુસાર બદલવાની જરૂરિયાત પણ દર્શાવવામાં આવી છે. IMFના ક્વોટા અને વોટિંગ પાવરમાં વિકાસશીલ દેશોનો હિસ્સો વધારવાની પણ માંગ કરવામાં આવી છે.
વેપાર ક્ષેત્રે BRICS દેશોએ WTOને વધુ મજબૂત બનાવવાની અને નિયમ આધારિત વૈશ્વિક વેપાર વ્યવસ્થા જાળવી રાખવાની વાત કરી છે. એકતરફી ટેરિફ અને નોન-ટેરિફ અવરોધો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સંરક્ષણવાદના કારણે વૈશ્વિક વેપાર અને સપ્લાય ચેઇનને નુકસાન થઈ શકે છે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
BRICS દેશોએ WTOની વિવાદ નિવારણ વ્યવસ્થાને સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. ઇથિઓપિયા અને ઈરાનની WTO સભ્યપદની દાવેદારીને પણ સમર્થન આપવામાં આવ્યું છે.
BRICS દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ લાદવામાં આવતા એકતરફી પ્રતિબંધો અને સેકન્ડરી પ્રતિબંધોનો વિરોધ કર્યો છે. આવા પ્રતિબંધોની અસર સામાન્ય લોકો, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય અને વિકાસ પર થતી હોવાનું ઘોષણાપત્રમાં જણાવાયું છે.
વિશ્વમાં વધી રહેલા ભૂરાજકીય તણાવ અને ધ્રુવીકરણ અંગે BRICS દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. વિવિધ સંઘર્ષોના ઉકેલ માટે સંવાદ, કૂટનીતિ અને મધ્યસ્થીને મહત્વ આપવાની વાત કરવામાં આવી છે. સંઘર્ષોને રોકવા અને તેના મૂળ કારણોને દૂર કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
પરમાણુ જોખમમાં થઈ રહેલા વધારા અંગે પણ BRICS દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. પરમાણુ નિઃશસ્ત્રીકરણ, શસ્ત્ર નિયંત્રણ અને પરમાણુ અપ્રસાર વ્યવસ્થાને મજબૂત બનાવવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત અંતરિક્ષમાં હથિયારોની દોડ રોકવાનું પણ સમર્થન કરવામાં આવ્યું છે.
મધ્યપૂર્વની સ્થિતિ અંગે BRICS દેશોએ ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ અને માનવતાવાદી સહાયની અવિરત પહોંચની માંગ કરી છે. પેલેસ્ટિનિયનોના બળજબરીપૂર્વકના વિસ્થાપનનો વિરોધ કરવામાં આવ્યો છે. ગાઝાની ભૌગોલિક અથવા વસ્તીગત સ્થિતિ બદલવાના કોઈપણ પ્રયાસનો પણ વિરોધ કરવામાં આવ્યો છે.
BRICS દેશોએ પેલેસ્ટાઇનને સંયુક્ત રાષ્ટ્રમાં સંપૂર્ણ સભ્યપદ આપવાના સમર્થનને પુનરાવર્તિત કર્યું છે. સાથે જ 1967ની સરહદોના આધારે પૂર્વ જેરુસલેમને રાજધાની ધરાવતા સ્વતંત્ર અને સંપ્રભુ પેલેસ્ટાઇનના નિર્માણ સાથે ટુ-સ્ટેટ સોલ્યુશનનું સમર્થન કરવામાં આવ્યું છે.
ગાઝામાં નાગરિકો અને નાગરિક માળખાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકાયો છે. ભૂખમરાને યુદ્ધના સાધન તરીકે ઉપયોગ કરવા અને માનવતાવાદી સહાય રોકવાની નિંદા કરવામાં આવી છે. UNRWAના મંડેટ અને ભૂમિકાને પણ સમર્થન આપવામાં આવ્યું છે.
લેબનોનમાં યુદ્ધવિરામનું સ્વાગત કરતાં BRICS દેશોએ UNSCના ઠરાવ 1701ને સંપૂર્ણ રીતે લાગુ કરવાની માંગ કરી છે. લેબનોનની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાની વાત કરવામાં આવી છે. UNIFILના કર્મચારીઓ અને સ્થાપનોની સુરક્ષા પર પણ ભાર મૂકાયો છે.
સીરિયા અંગે BRICS દેશોએ તેની સંપ્રભુતા, સ્વતંત્રતા અને પ્રાદેશિક અખંડિતતા માટે સમર્થન વ્યક્ત કર્યું છે. સીરિયાની આગેવાની હેઠળ અને સંયુક્ત રાષ્ટ્રની મદદથી રાજકીય પ્રક્રિયા આગળ વધારવાની વાત કરવામાં આવી છે. વિદેશી આતંકવાદી લડવૈયાઓ અને આતંકવાદના જોખમ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
સુદાનમાં સતત બગડતી માનવતાવાદી સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરીને તાત્કાલિક અને કાયમી યુદ્ધવિરામની માંગ કરવામાં આવી છે. BRICS દેશોએ વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા અને ‘આફ્રિકાની સમસ્યાનો આફ્રિકન ઉકેલ’ના સિદ્ધાંતને સમર્થન આપ્યું છે.
BRICSના સંયુક્ત નિવેદનમાં રશિયા અને ચીન સહિતના સભ્ય દેશોએ પહલગામ આતંકી હુમલાની નિંદા કરી છે. આતંકવાદ સામે એકજૂથ થઈને કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે. આતંકવાદીઓ સુધી પહોંચતી નાણાકીય મદદ રોકવા અને તેમને સુરક્ષિત આશ્રય આપનારાઓ સામે કાર્યવાહી કરવા માટે પણ સહમતિ વ્યક્ત કરવામાં આવી છે.
BRICS સમિટની સાથે જ દ્વિપક્ષીય બેઠકોનો દોર પણ ચાલુ રહ્યો હતો. સમિટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત યોજાઈ હતી. જિનપિંગે BRICS અંગે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે BRICS દેશોએ સાથે મળીને કામ કરવું પડશે. તેમણે કહ્યું કે ખાનગી સ્વાર્થોને પાછળ છોડીને સાથે આગળ વધવાથી જ ગ્લોબલ સાઉથ એક નવી મહાશક્તિ તરીકે ઉભરી શકે છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ લગભગ સાત વર્ષ બાદ ભારત આવ્યા છે. તેમના ભારત આગમન બાદ દિલ્હીમાં તેમની સુરક્ષા વ્યવસ્થા અને કાફલાએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જિનપિંગના કાફલામાં સામેલ હાઈ-સિક્યોરિટી કારોને કાળા કવરથી ઢાંકવામાં આવી હતી. સુરક્ષા કારણોસર વાહનો સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી જાહેર ન થાય તે માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોવાનું જણાવાયું છે.
PM મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન વચ્ચે પણ મુલાકાત યોજાઈ હતી. મુલાકાત બાદ ભારતના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કર્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારત અને ઈરાન વચ્ચેના હજારો વર્ષ જૂના મૈત્રીપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારત ઈચ્છે છે કે ઈરાન સાથે સંબંધિત મુદ્દાઓનો ઉકેલ સંવાદ અને કૂટનીતિના માધ્યમથી લાવવામાં આવે.
BRICS સમિટ દરમિયાન PM મોદીએ નવી દિલ્હીમાં અન્ય BRICS નેતાઓ સાથે મળીને વટવૃક્ષનું રોપણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ તેને BRICSની વધતી શક્તિ, મજબૂત મૂળ અને સહિયારા ભવિષ્યનું પ્રતીક ગણાવ્યું હતું.
PM મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે વટવૃક્ષ BRICSના આદર્શોનું યોગ્ય પ્રતીક છે. તેમણે કહ્યું કે ઊંડા મૂળ, વધતી શક્તિ અને સહિયારા ભવિષ્ય માટે એકતાના કારણે આવનારા સમયમાં BRICSની ભાગીદારી વધુ મજબૂત બનશે. આ ઉપરાંત PM મોદી BRICS નેતાઓ સાથે ભારત મંડપમ ખાતે આયોજિત ‘ભારત ઇનોવેટ્સ’ પ્રદર્શનની મુલાકાતે પણ ગયા હતા.
BRICS સમિટ દરમિયાન આર્થિક બાબતોના સચિવ સુધાકર દલેલાએ સ્પષ્ટ કર્યું હતું કે હાલમાં BRICS દેશો વચ્ચે કોઈ સામાન્ય BRICS કરન્સી શરૂ કરવાનો પ્રસ્તાવ નથી. તેમણે કહ્યું કે સ્થાનિક કરન્સીમાં વેપારનું સેટલમેન્ટ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય છે અને તે કોઈ નવી બાબત નથી.
તેમના જણાવ્યા અનુસાર દ્વિપક્ષીય વેપારમાં ટ્રાન્ઝેક્શન કોસ્ટ ઘટાડવા માટે સ્થાનિક કરન્સીમાં સેટલમેન્ટ એક વ્યવહારુ વ્યવસ્થા છે. તેને વૈશ્વિક પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમના પૂરક તરીકે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. આ અભિગમ વિવિધ દેશો વચ્ચે વૈશ્વિક વેપારની કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ થઈ શકે છે.
BRICS સમિટના પ્રથમ દિવસના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક નેતાઓ અને પ્રતિનિધિઓ માટે ગાલા ડિનરનું આયોજન કર્યું હતું. સાંજે લગભગ 7.30 વાગ્યે યોજાયેલા આ ડિનરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન સહિત અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
આ રીતે BRICS સમિટનો પ્રથમ દિવસ મહત્વપૂર્ણ રાજદ્વારી બેઠકો, દિલ્હી ડિક્લેરેશન, વૈશ્વિક વેપાર અને સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા, આતંકવાદ સામે સંયુક્ત વલણ અને વિશ્વના મોટા નેતાઓ વચ્ચેની દ્વિપક્ષીય મુલાકાતોને કારણે ખાસ ચર્ચામાં રહ્યો છે.
LAC પર શાંતિ, વેપારમાં વિશ્વાસ… મોદી-જિનપિંગ વચ્ચેની બેઠકમાં શું નક્કી થયું?
Published On - 6:04 am, Sun, 13 September 26