Breaking News: પીએમ નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલાં જાનથી મારી નાખવાની ધમકી

પ્રધાનમંત્રી મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં સોશિયલ મીડિયા પર મેલબર્નના કાર્યક્રમમાં હુમલો કરવાની ધમકી મળતા સનસનાટી મચી ગઈ છે. ઓસ્ટ્રેલિયન સુરક્ષા એજન્સીઓએ શંકાસ્પદ આઈપી એડ્રેસ ટ્રેસ કરીને તપાસ તેજ કરી દીધી છે.

Breaking News: પીએમ નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલાં જાનથી મારી નાખવાની ધમકી
Image Credit source: Tv9Gujarati
| Updated on: Jul 04, 2026 | 8:40 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલાં એક સળગતા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીને જાનથી મારી નાખવાની અને ઓસ્ટ્રેલિયામાં યોજાનારા તેમના ભવ્ય જાહેર કાર્યક્રમ પર હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે. આ ગંભીર મામલો સામે આવતા જ ઓસ્ટ્રેલિયાની ટોચની સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ છે અને આખા મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

કયા કાર્યક્રમને લઈને મળી ધમકી?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 08 થી 10 જુલાઈ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવાના છે. આ પ્રવાસ દરમિયાન 09 જુલાઈએ મેલબર્નના પ્રખ્યાત માર્વેલ સ્ટેડિયમમાં ‘મેલબર્ન મીટ્સ મોદી’ નામનો એક ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે, જેમાં હજારો ભારતીયો ભાગ લેવાના છે. ઓસ્ટ્રેલિયા ટુડેના અહેવાલ મુજબ, આ કાર્યક્રમની પ્રમોશનલ પોસ્ટ નીચે જ પીએમ મોદી પર હુમલો કરવાની આ ધમકી આપવામાં આવી છે.

ફેસબુક કોમેન્ટથી મચ્યો ખળભળાટ

રિપોર્ટ અનુસાર, ‘મુસ્તફા’ નામના એક શંકાસ્પદ ફેસબુક એકાઉન્ટ પરથી કથિત રીતે લખવામાં આવ્યું કે, આ કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમની છત બંધ રાખવી જોઈએ, નહીંતર તેઓ (પીએમ મોદી) પોતાના મોત માટે ઓસ્ટ્રેલિયા આવી રહ્યા હશે. આ ધમકીભરી સોશિયલ મીડિયા કોમેન્ટ નજરે પડતા જ સુરક્ષા અધિકારીઓ એલર્ટ થઈ ગયા હતા.

તપાસ ક્યાં સુધી પહોંચી?

ઓસ્ટ્રેલિયન અધિકારીઓએ આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે. પ્રારંભિક તપાસમાં ધમકી આપનારા ફેસબુક એકાઉન્ટનું આઈપી એડ્રેસ (IP Address) ટ્રેસ કરી લેવામાં આવ્યું છે અને તે દિશામાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર ધરપકડની જાહેરાત કરવામાં આવી નથી. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ, ભલે આ માત્ર એક સોશિયલ મીડિયા કોમેન્ટ હોય, પણ પીએમ મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને સહેજ પણ હળવાશથી લેવામાં આવી નથી રહી.

મુલાકાત યથાવત: ઓસ્ટ્રેલિયન પીએમએ વધાવ્યા

આ ધમકીઓ વચ્ચે પણ પીએમ મોદીનો પ્રવાસ અને દ્વિપક્ષીય વાટાઘાટો પૂર્વયોજિત કાર્યક્રમ મુજબ જ ચાલશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વાર્ષિક લીડર્સ સમિટ દરમિયાન પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ સાથે મહત્વની બેઠક કરશે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ભારતને એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર ગણાવતા ગર્વભેર કહ્યું કે, દુનિયાની ચોથી સૌથી મોટી અને ઝડપથી વધતી અર્થવ્યવસ્થા તરીકે ભારત ઓસ્ટ્રેલિયા માટે આર્થિક રીતે ખૂબ મહત્વનું છે અને તેઓ પોતાના મિત્ર પીએમ મોદીનું ઓસ્ટ્રેલિયામાં સ્વાગત કરવા માટે આતુર છે.

 

Published On - 8:02 pm, Sat, 4 July 26

Follow Us