
NEET-UG પેપર લીક કેસમાં રાજસ્થાન પોલીસે એક આરોપીને કસ્ટડીમાં લીધો છે. પોલીસ દ્વારા આ આરોપીની નાસિકથી અટકાયત કરવામાં આવી છે. નાસિક શહેરના ડીસીપી કિરણ કુમાર ચૌહાણે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજસ્થાન પોલીસે સવારે આ મામલે સહયોગ માટે સંપર્ક કર્યો હતો. રાજસ્થાન પોલીસ પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે નાસિક ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો હતો.
ડીસીપી કિરણકુમાર ચૌહાણે જણાવ્યું કે, પકડાયેલ આરોપી શુભમ ખૈરનાર NEET કૌભાંડ સાથે સંકળાયેલો છે. આરોપીએ પોતાની ઓળખ છુપાવવા માટે વેશભૂષા અને હેર સ્ટાઇલ બદલી નાખી હતી, જેના કારણે શરૂઆતમાં તેને ઓળખવામાં મુશ્કેલી પડી હતી. જો કે, ટેકનિકલ માહિતી અને ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે પોલીસ તેને પકડવામાં સફળ રહી છે. રાજસ્થાન પોલીસ નાસિક પહોંચ્યા બાદ આરોપીને તેમને સોંપવામાં આવશે. નાસિકમાં ઝડપાયેલો શંકાસ્પદ આરોપી છેલ્લા કેટલાક વર્ષોથી મધ્યપ્રદેશના ભોપાલમાં અભ્યાસ કરતો હતો.
#WATCH | Nashik, Maharashtra: Deputy Commissioner of Police Kiran Kumar Chauhan says, “A request from Rajasthan Police was received this morning for taking an individual into custody in connection with NEET exam matter. Accordingly, Nashik Police Crime Branch Unit 2 has nabbed a… pic.twitter.com/7D9tmGqyaW
— ANI (@ANI) May 12, 2026
ઉલ્લેખનીય છે કે, NTA દ્વારા 3 મેના રોજ લેવામાં આવેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા ‘NEET-UG-2026’ ને પેપર લીકના આરોપોને ધ્યાનમાં રાખીને મંગળવારે રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને સરકારે આ ‘અનિયમિતતાઓ’ ની વિગતવાર તપાસ કરવા માટે CBI ને આદેશ આપ્યો હતો. મેડિકલ કોલેજોમાં ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે હવે આ પરીક્ષા નવેસરથી લેવામાં આવશે, જેની તારીખ અલગથી જાહેર કરવામાં આવશે.
NEET-UG 2026 ની પરીક્ષા 3 મેના રોજ ભારતના 551 શહેર અને અન્ય દેશોના 14 શહેરમાં યોજાઈ હતી. આ પરીક્ષા અંદાજે 23 લાખ નોંધાયેલા પરીક્ષાર્થીઓ માટે લેવામાં આવી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે, મળેલી માહિતી અને એજન્સીઓ દ્વારા શેર કરવામાં આવેલા તારણોના આધારે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, ‘વર્તમાન પરીક્ષા પ્રક્રિયા ચાલુ રાખવી યોગ્ય નથી.’ એજન્સીએ વધુમાં ઉમેર્યું કે, ‘ફરીથી લેવાનારી પરીક્ષાની તારીખો અને તેના માટે જાહેર થનારા એડમિટ કાર્ડનું શેડ્યૂલ આગામી થોડા દિવસોમાં એજન્સીના સત્તાવાર માધ્યમો દ્વારા જાણ કરવામાં આવશે.’
NTAએ જણાવ્યું કે, સરકારે પરીક્ષા સંબંધિત આરોપોની વ્યાપક તપાસ માટે કેસ CBIને સોંપવાનો નિર્ણય લીધો છે. એજન્સી CBIને સંપૂર્ણ સહકાર આપશે અને તપાસ માટે જરૂરી તમામ સામગ્રી, રેકોર્ડ અને સહાય પૂરી પાડશે. NTAએ કહ્યું કે, ‘આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં અને રાષ્ટ્રીય પરીક્ષા પ્રણાલીમાં વિશ્વાસ જળવાઈ રહે તે ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.’