Breaking News: અમીર ઘરના વિદ્યાર્થીઓ માટે ગોઠવાયો હતો ‘આખો ખેલ’, NEET પેપર લીક કેસમાં વધુ એક ‘મોટી ધરપકડ’

દેશની સૌથી મોટી તબીબી પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 ના પેપર લીક મામલે કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) ને એક મોટી સફળતા મળી છે. CBI એ આ સમગ્ર કૌભાંડ પાછળ રહેલી મુખ્ય સૂત્રધાર અને સિનિયર બોટની મહિલા ટીચરની ધરપકડ કરી છે.

Breaking News: અમીર ઘરના વિદ્યાર્થીઓ માટે ગોઠવાયો હતો આખો ખેલ, NEET પેપર લીક કેસમાં વધુ એક મોટી ધરપકડ
| Updated on: May 16, 2026 | 5:33 PM

NEET-UG 2026 પેપર લીક કેસમાં CBI ને મોટી સફળતા મળી છે. એજન્સીએ બાયોલોજીનું પેપર લીક કરનાર વધુ એક કથિત માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ પુણેની સિનિયર બોટની ટીચર મનીષા ગુરુનાથ મંધારે તરીકે થઈ છે.

સીબીઆઈના જણાવ્યા અનુસાર, મનીષા મંધારેની NTA દ્વારા NEET-UG 2026 પરીક્ષા પ્રક્રિયામાં એક્સપર્ટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ જ કારણે તેને બોટની અને ઝૂલોજીના પ્રશ્નપત્રો સુધી સંપૂર્ણ એક્સેસ (પહોંચ) હતી. તપાસમાં સામે આવ્યું છે કે, એપ્રિલ 2026 દરમિયાન તેણે પુણેની મનીષા વાઘમરે (જેની 14 મેના રોજ પહેલા જ ધરપકડ થઈ ચૂકી છે) ના માધ્યમથી ઘણા NEET ઉમેદવારોને જોડ્યા હતા.

મનીષા ગુરુનાથ મંધારેએ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર જણાવ્યું

સીબીઆઈના જણાવ્યા અનુસાર, મનીષા મંધારેએ પુણેમાં આવેલા પોતાના ઘરે વિદ્યાર્થીઓ માટે ખાસ કોચિંગ ક્લાસ ચલાવ્યા હતા. આ ક્લાસીસમાં તેણે બોટની અને ઝૂલોજીના ઘણા સંભવિત પ્રશ્નો વિદ્યાર્થીઓને જણાવ્યા હતા, તેમને નોટબુકમાં લખાવ્યા હતા અને પુસ્તકોમાં માર્ક પણ કરાવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે, આ પ્રશ્નોમાંથી મોટાભાગના પ્રશ્નો 3 મે 2026 ના રોજ લેવાયેલી અસલી NEET-UG પરીક્ષાના પેપર સાથે મળતા આવતા હતા.

તપાસ એજન્સીઓનું કહેવું છે કે, અત્યાર સુધીની પૂછપરછમાં કેમિસ્ટ્રી અને બાયોલોજી પેપર લીકના અસલી સ્ત્રોત (સોર્સ) ની ખબર પડી ગઈ છે. સાથે જ એવા વચેટિયાઓની પણ ઓળખ થઈ ગઈ છે કે, જેમણે લાખો રૂપિયા લઈને વિદ્યાર્થીઓને એ “સ્પેશિયલ ક્લાસીસ” સુધી પહોંચાડ્યા, જ્યાં પરીક્ષામાં આવનારા પ્રશ્નો પહેલાથી જ જણાવવામાં આવી રહ્યા હતા. CBI નું કહેવું છે કે, આ મામલાની તપાસ સંપૂર્ણ નિષ્પક્ષતા અને પ્રોફેશનલ રીતે ચાલુ રહેશે.

પરીક્ષા પ્રક્રિયામાં એક્સપર્ટ તરીકે જોડવામાં આવ્યા હતા

કેમિસ્ટ્રી લેક્ચરર પી.વી. કુલકર્ણી અને બોટની ટીચર મનીષા ગુરુનાથ બંનેની NTA દ્વારા NEET-UG 2026 પરીક્ષા પ્રક્રિયામાં એક્સપર્ટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. બંનેએ પેપર લીક કરવા માટે પુણેની જ રહેવાસી મનીષા વાઘમરે નામની મહિલાનો સહારો લીધો હતો. મનીષા વાઘમરેએ જ NEET ની તૈયારી કરતા અમીર ઘરના વિદ્યાર્થીઓ ભેગા કર્યા હતા.

ત્યારબાદ એક સ્પેશિયલ ક્લાસ પી.વી. કુલકર્ણી માટે અને એક સ્પેશિયલ ક્લાસ મનીષા મંધારે માટે ચલાવવામાં આવ્યો હતો. બસ આ જ સ્પેશિયલ ક્લાસમાં પેપર લીક કરવામાં આવ્યું હતું. મનીષા વાઘમરે હવે આ પેપર લીક કેસમાં એક મહત્વની કડી છે. મનીષાનું બેંક એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસમાં હજુ વધુ એક મોટી ધરપકડ થવાની શક્યતા સેવાઈ રહી છે.

CBI એ ઘણી જગ્યાએ પાડ્યા દરોડા

CBI એ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 6 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ દરમિયાન ઘણા મહત્વના દસ્તાવેજો, લેપટોપ, બેંક સ્ટેટમેન્ટ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. હવે આ તમામ ઈલેક્ટ્રોનિક અને દસ્તાવેજી પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ મામલો શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગની ફરિયાદ બાદ 12 મે 2026 ના રોજ CBI દ્વારા નોંધવામાં આવ્યો હતો. કેસ નોંધાતાની સાથે જ કેટલીક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી અને દેશભરમાં દરોડા શરૂ કરવામાં આવ્યા હતા.

અત્યાર સુધીમાં આ કેસમાં દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગરથી કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આમાંથી 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. વળી, ગઈકાલે ધરપકડ કરાયેલા 2 આરોપીઓને પુણેની કોર્ટમાં રજૂ કર્યા બાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી લાવવામાં આવ્યા છે.

Breaking News : NEET પેપર લીક કાંડમાં બીજો મોટો ખુલાસો, કોચિંગ સેન્ટરની લોકપ્રિયતા વધારવા લીક કર્યું પેપર

Follow Us