
તાજેતરના એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કર્ણાટક હાઈકોર્ટે ઘરેલુ હિંસા કાયદા હેઠળ પત્નીને આપવામાં આવતી ભરણપોષણની રકમ વધારવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે પત્ની સારી આવક કમાતી હતી, જ્યારે પતિએ પોતાને બેરોજગાર જાહેર કર્યો હતો, જેના કારણે ભરણપોષણ વધારવાનું અશક્ય બન્યું હતું.
ન્યાયાધીશ વી. શ્રીસાનંદની સિંગલ બેન્ચે પતિની અરજીને પણ ફગાવી દીધી હતી જેમાં 2015ના ફેમિલી કોર્ટના આદેશને રદ કરવાની માગ કરવામાં આવી હતી. જેમાં પતિને દર મહિને ₹9,000 (₹5,000 ભાડું અને ₹4,000 ભરણપોષણ) અને પત્નીને ₹40,000 વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બંને પક્ષોની રિવિઝન અરજીઓ ફગાવી દેવામાં આવી હતી.
કેસ મુજબ, દંપતીએ એપ્રિલ 2009 માં લગ્ન કર્યા હતા. પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેની પાસે વધારાનું દહેજ માંગવામાં આવ્યું હતું અને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. 2015 માં, મેજિસ્ટ્રેટ કોર્ટે ઘરેલુ હિંસા કાયદાની કલમ 12 હેઠળ તેણીની અરજીને આંશિક રીતે સ્વીકારી હતી, જેમાં તેના પતિને ઘરેલુ હિંસાથી દૂર રહેવા અને ભરણપોષણ અને વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશને 2016 માં સેશન્સ કોર્ટે માન્ય રાખ્યો હતો.
હાઇકોર્ટમાં પતિએ દલીલ કરી હતી કે તે પહેલા એક શાળા ચલાવતો હતો, જે હવે બંધ થઈ ગઈ છે અને હાલમાં બેરોજગાર છે, જેના કારણે તે ભરણપોષણ આપી શકતો નથી. તેણે એવી પણ દલીલ કરી હતી કે તેની પત્નીની માસિક આવક ₹1.5 લાખથી વધુ છે. તેથી, તેના પક્ષમાં રાહત આપવી જોઈએ.
પત્નીએ દલીલ કરી હતી કે તેના પતિનો પૈતૃક મિલકતમાં હિસ્સો છે અને તે તેના નામે મિલકતો પણ ધરાવે છે, જે તે કોર્ટથી છુપાવી રહ્યો છે. તેને એમ પણ કહ્યું હતું કે તેની આવક તેના ભરણપોષણના અધિકારને ખતમ કરતી નથી.
બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં લેતા, કોર્ટે જણાવ્યું હતું કે પૈતૃક મિલકતમાં પતિના હિસ્સાનું નિર્ધારણ હજુ સ્પષ્ટ નથી અને તેથી ભરણપોષણ વધારવા માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી. વધુમાં પત્નીના નાણાકીય દસ્તાવેજો સ્પષ્ટપણે દર્શાવે છે કે તે પૂરતી આવક કમાય છે.
જોકે, કોર્ટે એ પણ નોંધ્યું હતું કે પતિ પાસે એક એકર જમીન હતી, જે તેણે 2019 અને 2021 માં લોન મેળવવા માટે ગીરવે મૂકી હતી. કોર્ટે જણાવ્યું હતું કે જો તે મિલકત ગીરવે મૂકીને પૈસા ઉછીના લઈ શકે છે પરંતુ ભરણપોષણ ચૂકવી રહ્યો નથી, તો તે ભરણપોષણ ન ચૂકવવાની તેની અનિચ્છા દર્શાવે છે.
આ હકીકતોને ધ્યાનમાં રાખીને, હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિઓમાં ભરણપોષણની રકમ વધારવાનું કોઈ વાજબી કારણ નથી. પરિણામે, કોર્ટે બંને પક્ષોની અરજીઓ ફગાવી દીધી અને કોઈપણ રાહત આપવાનો ઇનકાર કર્યો.