
ઝારખંડના રામગઢ જિલ્લામાં ભયાનક અકસ્માત સર્જાયો છે. રાંચી-પટના હાઈવે પર સ્કોર્પિયો કારનો ભયાનક અકસ્માત સર્જાતા 13 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં 4 બાળકો, 4 મહિલા અને 5 પુરુષોનો પણ સમાવેશ થયો છે. તેમજ અકસ્માતમાં 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયું છે.
મળતી માહિતી અનુસાર અકસ્માતનો ભોગ બનેલા લોકો બિહારથી ઝારખંડ યાત્રા માટે જઈ રહ્યાં હતા. તે સમયે આ દુર્ઘટના બની હતી. બિહારના નાલંદા જિલ્લાના જાંઘારો ગામના રહેવાસી હતા. તેઓ ઝારખંડના પ્રસિદ્ધ રજરપ્પા મંદિરમાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. ધાર્મિક યાત્રા પર નીકળેલા લોકોની મુસાફરી અચાનક દુઃખદ ઘટનામાં ફેરવાઈ ગઈ હતી.
ઘટનાની વાત કરીએ તો રામગઢ જિલ્લામાં હાઈવે પર મુસાફરી દરમિયાન સ્કોર્પિયોનો અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં 13 લોકોનાં જીવ ગયા હતા. ચાર બાળકોનાં મોતની ઘટનાએ ખાસ કરીને લોકોમાં ભારે દુઃખ અને શોકની લાગણી ફેલાવી છે.
અકસ્મતમાં ઘાયલ થયેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. વાહનચાલકની ભૂલ, વાહનની સ્થિતિ અથવા હાઈવે પરની પરિસ્થિતિ સહિતના સંભવિત પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
એક જ ગામના અનેક લોકોનાં મોત થતાં બિહારના નાલંદા જિલ્લાના જાંઘારો ગામમાં શોકનો માહોલ છવાયો છે. રજરપ્પા મંદિરના દર્શન માટે નીકળેલા યાત્રાળુઓ સાથે બનેલી આ દુર્ઘટનાએ પરિવારજનોને ઊંડો આઘાત પહોંચાડ્યો છે. આ અકસ્માતે ફરી એકવાર માર્ગ સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હાઈવે પર વાહન ચલાવતી વખતે ગતિ મર્યાદાનું પાલન કરવું, વાહનમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ન બેસાડવા અને સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. રામગઢની આ દુર્ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. મૃતકોના પરિવારજનો માટે આ મુશ્કેલ સમયમાં સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : દીપમ વિવાદ વચ્ચે PM મોદીની ભગવાન મુરુગનને લઈને ખાસ પોસ્ટ, લખ્યું- ‘ભગવાન મુરુગનનો વિજય હો’
Published On - 7:17 am, Sun, 29 November 26