
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળના પ્રોવિડન્ડ ફંડ ધારકોના સાત કરોડથી વધુ ખાતાધારકો માટે સારા સમાચાર છે. EPFO આવતીકાલ 3 જુલાઈને શુક્રવારથી કર્મચારીઓના ભવિષ્ય નિધિ (PF) ખાતાઓમાં વાર્ષિક 8.25 ટકા લેખે વ્યાજ જમા કરવાનું શરૂ કરવા માટે તૈયાર છે. મીડિયા અહેવાલો અનુસાર, આગામી 15 દિવસમાં દેશભરમાં લગભગ 7 કરોડ સક્રિય ખાતાઓમાં વ્યાજની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.
સરકારના આ નિર્ણયના પગલે, ખાસ કરીને એવા પીએફ ખાતાધારક કર્મચારીઓને નોંધપાત્ર રાહત મળશે, જેઓ તેમના PF ખાતાઓમાં નાણાકીય વર્ષ 2025-2026નું વ્યાજ જમા થવાની રાહ જોઈ રહ્યા છે. એકવાર વ્યાજ જમા થઈ ગયા પછી, ખાતાધારકો તેમની EPF પાસબુકમાં અપડેટેડ બેલેન્સ જોઈ શકશે.
EPFO એ 2025-26 નાણાકીય વર્ષ માટે કર્મચારી ભવિષ્ય નિધિ થાપણો પર વાર્ષિક 8.25% વ્યાજ દર નક્કી કર્યો છે. આ દરના આધારે વ્યાજની ગણતરી કરવામાં આવશે અને બધા પાત્ર ખાતાઓમાં જમા રહેલી પ્રોવિડન્ડ ફંડની જમાં રકમ પર 8,25 ટકા લેખે વ્યાજ જમા કરવામાં આવશે. વ્યાજ સીધા ખાતાધારકોના PF ખાતામાં જમા કરવામાં આવશે, અને આ પ્રક્રિયા માટે કોઈ અરજી કરવાની જરૂર નથી.
8.25 ટકા લેખે વ્યાજ જમા થઈ ગયા પછી, કર્મચારીઓ તેમના PF બેલેન્સને ઘણી રીતે ચકાસી શકે છે. અપડેટેડ બેલેન્સ સત્તાવાર EPFO વેબસાઇટ, UMANG એપ્લિકેશન પર પાસબુક સેવા દ્વારા અથવા મિસ્ડ કોલ અને SMS સેવાઓ દ્વારા જોઈ અને જાણી શકે છે. જો કે, 8.25 ટકા વ્યાજ એકસાથે બધા જ પ્રોવિડન્ડ ફંડધારકના ખાતાઓમાં નહીં પહોંચે, તેથી કેટલાક ખાતાઓમાં વ્યાજની રકમ અપડેટ થવામાં થોડા દિવસો લાગી શકે છે.
EPF ને કર્મચારીઓની લાંબા ગાળાની બચત માટે એક મુખ્ય વાહન માનવામાં આવે છે. કર્મચારી અને નોકરીદાતા બંને દ્વારા દર મહિને PF ખાતામાં ફાળો જમા કરવામાં આવે છે, અને EPFO વાર્ષિક ધોરણે આ રકમ પર વ્યાજ ચૂકવે છે. વ્યાજનો ઉમેરો કર્મચારીઓની નિવૃત્તિ બચતમાં નોંધપાત્ર વધારો કરે છે અને ભવિષ્ય માટે મજબૂત નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. જો આગામી 15 દિવસમાં તમારા ખાતામાં વ્યાજની રકમ ના દેખાય, તો ગભરાવાની જરૂર નથી. EPFO તબક્કાવાર રીતે બધા સક્રિય ખાતાઓમાં વ્યાજ જમા કરશે, તેથી અપડેટ થવામાં થોડો સમય લાગી શકે છે.