
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે જોડાયો. પક્ષ દ્વારા OBC મોરચાની રાષ્ટ્રીય કાર્યસમિતિમાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપના કેન્દ્રીય કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી રાષ્ટ્રીય હોદ્દેદારો અને કાર્યકારી સભ્યોની વ્યાપક યાદીના ભાગરૂપે ચહલની નિમણૂક કરવામાં આવી છે. આ જાહેરાત બાદ ચહલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પક્ષના ટોચના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ભાજપ પરિવારમાં મને સ્થાન અને સન્માન આપવા બદલ હું આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમરપાલ મૌર્યનો હૃદયપૂર્વક આભાર માનું છું.
પક્ષ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, ચહલ દિલ્હીનું પ્રતિનિધિત્વ કરતાં ઓબીસી મોરચાની રાષ્ટ્રીય કાર્યસમિતિમાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે જવાબદારી નિભાવશે. તેની સાથે ઓડિશાનો અદ્વૈત ચરણ ગણનાયક અને ઉત્તર પ્રદેશની એડવોકેટ સીમા સમૃદ્ધિ કુશવાહાને પણ વિશેષ આમંત્રિત સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે.
ક્રિકેટના મેદાન પર યુઝવેન્દ્ર ચહલનું પ્રદર્શન પણ નોંધપાત્ર રહ્યું છે. તેણે ભારત તરફથી 72 વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં 121 વિકેટ અને 80 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં 96 વિકેટ લીધી છે. આ ઉપરાંત, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 188 મેચમાં તેના નામે 233 વિકેટ નોંધાયેલી છે.
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર યાદી અનુસાર, ઓબીસી મોરચાના સાત નેતાઓને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, ગજેન્દ્ર યાદવ (દિલ્હી), પ્રમોદ મધ્વરાજ (કર્ણાટક) અને લલિત ચંદ્રાકર (છત્તીસગઢ)ને રાષ્ટ્રીય મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભાજપે વિવિધ રાજ્યોમાંથી સાત નેતાઓને ઓબીસી મોરચાના રાષ્ટ્રીય સચિવ તરીકે જવાબદારી સોંપી છે.
અન્ય સંગઠનાત્મક નિમણૂકોમાં ઉત્તર પ્રદેશના રાધેશ્યામ યાદવને રાષ્ટ્રીય ખજાનચી બનાવવામાં આવ્યા છે. જ્યારે દિલ્હીના સંજય કુમાર ગુર્જરને રાષ્ટ્રીય કાર્યાલય સચિવ અને ડો. અરુણ યાદવને સહ-કાર્યાલય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બિહારના અજય ગુપ્તાને ઓબીસી મોરચાના મીડિયા સંયોજક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.