
ઉત્તરાખંડના જોશીમઠ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટર બદ્રીનાથ ધામથી પરત ફરી રહ્યું હતું. હેલિકોપ્ટરમાં પાયલટ સહિત કુલ છ લોકો સવાર હતા. જેમાં પાંચ મુસાફરોનો સમાવેશ થતો હતો. આ દુર્ઘટનામાં તમામ છ લોકોનાં મોત થયાં છે. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રની ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. હેલિકોપ્ટરની શોધખોળ માટે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બદ્રીનાથ ધામમાં દર્શન કર્યા બાદ પરત ફરી રહેલું એક હેલિકોપ્ટર જોશીમઠ વિસ્તારમાં અચાનક ગુમ થયું હતું. સૂત્રો અનુસાર, હેલિકોપ્ટર બદ્રીનાથથી ઉડાન ભરીને પરત ફરી રહ્યું હતું. આ દરમિયાન જોશીમઠના મારવાડી વિસ્તાર નજીક ચાઈ ગામની પહાડી પાસે હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
આ વિસ્તારમાં સતત વરસાદ અને ગાઢ વાદળોને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી છે. આથી રેસ્ક્યૂ ટીમોને હેલિકોપ્ટરની શોધખોળ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં ટીમો બદ્રીનાથ અને જોશીમઠ વચ્ચેના વિસ્તારમાં શોધખોળ અભિયાન ચલાવી રહી છે. હેલિકોપ્ટરમાં કેટલા લોકો સવાર હતા અને તેમની હાલત કેવી છે, તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની ટીમો હેલિકોપ્ટરનું લોકેશન શોધવામાં વ્યસ્ત છે.
ઓક્ટોબર મહિનામાં પણ ચારધામ યાત્રા દરમિયાન બે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક ઘટના રુદ્રપ્રયાગમાં ખરાબ હવામાનને કારણે બની હતી, જ્યારે બીજી ઘટના ટિહરીમાં ટેકનિકલ ખામીને કારણે બની હતી. બંને કિસ્સામાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
Published On - 2:36 pm, Fri, 30 October 26