
‘એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન’ (EPFO) ના 74મા સ્થાપના દિવસ નિમિત્તે, કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન મનસુખ માંડવિયાએ, અનેક ડિજિટલ પહેલ શરૂ કરશે. જેમાં WhatsApp દ્વારા EPFO સેવાઓ પૂરી પાડવાની સુવિધા અને નિષ્ક્રિય EPF ખાતાઓનો આપોઆપ નિકાલ (સેટલમેન્ટ) થઈ જાય તેવી સિસ્ટમનો સમાવેશ થાય છે.
રવિવારે, EPFOના 74મા સ્થાપના દિવસના અવસરે, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયા કેટલીક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરશે, જેનાથી એમ્પ્લોઈઝ પ્રોવિડન્ડ ફંડના (EPF) કરોડો સભ્યોને મોટી રાહત મળવાની અપેક્ષા છે. આ કાર્યક્રમ દરમિયાન રજૂ કરવામાં આવનારી મુખ્ય ડિજિટલ સુવિધાઓમાં રૂપિયા 1,000 સુધીની બાકી રકમ ધરાવતા પાત્ર નિષ્ક્રિય EPF ખાતાઓનો આપમેળે નિકાલ અને WhatsApp દ્વારા EPFO સેવાઓની ઉપલબ્ધતાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, શ્રમ અને રોજગાર પ્રધાન મનસુખ માંડવિયા, કાયદાકીય જાગૃતિ અને સંસ્થાકીય સુધારાઓ પર કેન્દ્રિત કેટલાક વિશેષ પ્રકાશનો પણ જાહેર કરશે. તેઓ શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રાદેશિક કચેરીઓ, ઝોન અને વ્યક્તિગત કર્મચારીઓને ‘ભવિષ્ય નિધિ પુરસ્કાર 2026 (Provident Fund Award 2026) એનાયત કરશે.
કાર્યક્રમ દરમિયાન દેશભરમાં સામાજિક સુરક્ષા અને EPFOના વિસ્તરણ અંગેના આંકડા પણ રજૂ કરવામાં આવશે. સત્તાવાર આંકડા મુજબ, ભારતમાં સામાજિક સુરક્ષા કવરેજ 2015માં 19 ટકાથી વધીને 2026માં 68.4 ટકા થયું છે, જેના હેઠળ 1 અબજથી વધુ લોકો આવરી લેવાયા છે.
EPFOમાં ફાળો આપતા સભ્યોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સભ્યપદનો આધાર 2014-15ના નાણાકીય વર્ષમાં 3.49 કરોડથી વધીને સપ્ટેમ્બર 2026 સુધીમાં આશરે 7.98 કરોડ થયો છે. એટલે કે આ સમયગાળા દરમિયાન લગભગ 4.49 કરોડ નવા સભ્યો જોડાયા છે. વધુમાં, સપ્ટેમ્બર 2026 સુધીમાં, દેશભરના 7.68 લાખ સંસ્થાનો (એસ્ટાબ્લિશમેન્ટ્સ) EPFOમાં ફાળો આપી રહ્યા છે, જે કામદારોને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે એક મજબૂત સંસ્થાકીય પાયો રચે છે. આ સ્થાપના દિવસની ઉજવણી એ વાતની પુષ્ટિ કરે છે કે EPFOની યાત્રા માત્ર સંસ્થાકીય વિકાસની ગાથા નથી, પરંતુ તે એક એવી પ્રતિબદ્ધતા છે જે સુનિશ્ચિત કરે છે કે કામદારોની જીવનભરની મહેનતનું ફળ તેમને અને તેમના પરિવારોને સુરક્ષા, ગરિમા અને માનસિક શાંતિ પ્રદાન કરે. આ કાર્યક્રમમાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના સભ્યો તેમજ નોકરીદાતાઓ અને કામદારોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.