
મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં આને મંજૂરી આપવામાં આવી છે. સીપી રાધાકૃષ્ણન તમિલનાડુના રહેવાસી છે. ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં લાંબી ચર્ચા બાદ તેમના નામ પર નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ આ જાહેરાત કરતા કહ્યું કે સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર હશે. જેપી નડ્ડાએ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારનું નામ અંતિમ સ્વરૂપ આપવા માટે ભાજપ સંસદીય બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી.
તમિલનાડુના તિરુપ્પુરમાં 20 ઓક્ટોબર 1957 એ જન્મેલા ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન (સીપી રાધાકૃષ્ણન) ભાજપના વરિષ્ઠ નેતા રહ્યા છે અને હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. રાધાકૃષ્ણને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત RSS અને જનસંઘથી કરી હતી. તેઓ 1998 અને 1999 માં કોઈમ્બતુરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 2003 થી 2006 સુધી તમિલનાડુ ભાજપના અધ્યક્ષપદે રહ્યા હતા
સીપી રાધાકૃષ્ણન ફેબ્રુઆરી 2023 થી જુલાઈ 2024 સુધી ઝારખંડના રાજ્યપાલ હતા. આ ઉપરાંત, તેમણે માર્ચથી જુલાઈ 2024 સુધી તેલંગાણાનો વધારાનો હવાલો અને માર્ચથી ઓગસ્ટ 2024 સુધી પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો. તેઓ 31 જુલાઈ 2024 થી મહારાષ્ટ્રના રાજ્યપાલ છે.
તમિલનાડુ ભાજપના અધ્યક્ષ રહેતા તેમમે 2004 થી 2007 દરમિયાન 93 દિવસની રથયાત્રા કાઢી હતી. જેનો હેતુ નદીઓને જોડવાનો, આતંકવાદ સામે જાગૃતિ લાવવાનો અને અસ્પૃશ્યતા નાબૂદી કરવાનો હતો. તેઓ સંસદમાં કાપડ ઉદ્યોગની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા. સાથે જ અનેક નાણાકીય અને જાહેર સાહસોને લગતી ઘણી સમિતિઓમાં પણ સક્રિય ભૂમિકા નિભાવી ચુક્યા છે. તેમણે કોઈમ્બતુરની વીઓ ચિદમ્બરમ કોલેજમાંથી બીબીએની ડિગ્રી મેળવી હતી.
Published On - 8:03 pm, Sun, 17 August 25