
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ એર ટિકિટ રિફંડ અને રદ કરવાના નિયમોમાં થોડા બદલાવ કર્યા છે. જે અંગે તેમણે ગુરુવારે જાહેરાત કરી છે. નવા નિયમો અનુસાર જો ટિકિટ સીધી એરલાઇનની વેબસાઇટ પર બુક કરવામાં આવે છે, તો મુસાફરો બુકિંગના 48 કલાકની અંદર કોઈપણ વધારાના ચાર્જ વિના તેમની ટિકિટ રદ કરી શકે છે.
વધુમાં, જો ટિકિટમાં નામની ભૂલ હોય અને મુસાફર 24 કલાકની અંદર તેને સુધારે છે, તો કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. આ સુવિધા ફક્ત ઓનલાઈન બુકિંગ કરનારા મુસાફરો પર લાગુ પડે છે.
આ સાથે પણ નિયમમાં એ પણ બદલાવ છે કે જો ટિકિટ ટ્રાવેલ એજન્ટ અથવા ઓનલાઈન પોર્ટલ દ્વારા ખરીદવામાં આવી હોય, તો એરલાઈન રિફંડ માટે જવાબદાર રહેશે. DGCA એ એરલાઈન્સને 14 કાર્યકારી દિવસોમાં તમામ રિફંડ પ્રક્રિયા કરવાનો નિર્દેશ આપ્યો છે. આનો અર્થ એ છે કે મુસાફરોને હવે વધુ રાહ જોવી પડશે નહીં, અને રિફંડ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શક હશે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા 24 ફેબ્રુઆરીએ સુધારેલ નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓ (CAR) જાહેર કરવામાં આવી હતી. આ હવેથી અમલમાં આવશે.
આ સુવિધા ફક્ત ત્યારે જ ઉપલબ્ધ થશે જો ટિકિટ ફ્લાઇટની તારીખના ઓછામાં ઓછા સાત દિવસ પહેલા બુક કરવામાં આવે. જો તમે ફ્લાઇટના બે કે ત્રણ દિવસ પહેલા તમારી ટિકિટ બુક કરાવો છો, તો 48 કલાકની છૂટ લાગુ પડશે નહીં. એરલાઇન્સે ખાતરી કરવી પડશે કે રિફંડ પ્રક્રિયા 14 કાર્યકારી દિવસોમાં પૂર્ણ થાય.
નવા નિયમો એ પણ સ્પષ્ટ કરે છે કે જો કોઈ મુસાફર તબીબી કટોકટીને કારણે તેમની ફ્લાઇટ રદ કરે છે, તો તેમને રિફંડ મેળવવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. ડિસેમ્બર 2025 માં એરલાઇન ટિકિટ રિફંડ અને ઇન્ડિગો ફ્લાઇટ્સ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ સંબંધિત ફરિયાદો બાદ DGCA એ આ ફેરફાર કર્યો છે.
Published On - 9:23 am, Fri, 27 February 26