
ઘરેલું LPG સિલિન્ડરના ભાવ ત્રણ મહિનામાં બીજી વખત વધારવામાં આવ્યા છે. દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પણ એક મોટી અપડેટ આવી છે. IOCLના ડેટા અનુસાર, ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ બે અઠવાડિયાથી યથાવત છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 2.50% થી વધુનો ઘટાડો થયો હતો.
બીજી તરફ ક્રિસિલના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે પેટ્રોલિયમ કંપનીઓને નુકસાન થતું અટકાવવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹5નો વધારો જરૂરી છે. ગયા મહિને, 15મે થી 25મે દરમિયાન ઇંધણના ભાવમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે 8%નો વધારો થયો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગયા અઠવાડિયાના અંતિમ ટ્રેડિંગ દિવસે અમેરિકન ક્રૂડ ઓઇલના ભાવ 2.69 ટકાના ઘટાડા સાથે પ્રતિ બેરલ 90.54 ડોલર પર બંધ થયા હતા. જ્યારે ખાડી દેશોના ક્રૂડ ઓઇલના ભાવ લગભગ 2 ટકા ઘટીને પ્રતિ બેરલ 93.09 ડોલર રહ્યા હતા. થોડા દિવસો પહેલાં ક્રૂડ ઓઇલના ભાવ ફરી એક વખત 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા હતા. જેના કારણે મોંઘવારી વધવાની ચિંતા વધી હતી. નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
IOCLના આંકડા મુજબ ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
ગુજરાતમાં પેટ્રોલનો સરેરાશ ભાવ પ્રતિ લિટર ₹101.80 અને ડીઝલનો સરેરાશ ભાવ પ્રતિ લિટર ₹97.92 આસપાસ છે. જોકે, તમારા ચોક્કસ શહેર અથવા વિસ્તારમાં આ ભાવમાં થોડો ફેરફાર થઈ શકે છે.
મે મહિનાના બીજા ભાગમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ મળીને લગભગ 8 ટકાનો વધારો થયો હતો.
દેશમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹29 પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. વૈશ્વિક ઊર્જા બજારમાં વધતા દબાણ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ઊર્જા પુરવઠા પર અસર થઈ રહી છે. નવી કિંમત મુજબ દિલ્હીમાં 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમત ₹913થી વધીને ₹942 થઈ છે. અગાઉ 7 માર્ચે પણ 60 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો. સૂત્રો અનુસાર, નવા ભાવ વધારા પહેલાં સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓને વેચાતા દરેક એલપીજી સિલિન્ડર પર અંદાજે ₹ 703નું નુકસાન થઈ રહ્યું હતું.
Published On - 8:18 am, Sun, 7 June 26