પશ્ચિમ બંગાળના બીરભૂમમાં બોમ્બથી ટીએમસી નેતાની હત્યાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં અન્ય બે લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં માર્યા ગયેલા TMC નેતાની ઓળખ ન્યૂટન શેખ તરીકે થઈ છે. જ્યારે ટીએમસી નેતા લાલુ શેખ અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે ઘટનામાં ઘાયલ થયેલા બંને લોકોની હાલત નાજુક છે.
આ કેસની તપાસ સાથે સંકળાયેલી પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનાના કારણો વિશે હજુ સુધી માહિતી મળી નથી. જો કે, આ ઘટનામાં જીવ ગુમાવનારા ટીએમસી નેતા ન્યૂટન શેખના સંબંધીઓએ આ ઘટનાને બદલો લેવાનું કૃત્ય ગણાવ્યું છે. તેના ભત્રીજા ફિરાઝુલ ઇસ્લામે પોલીસને જણાવ્યું કે તેના કાકાની હત્યા રાજકીય બદલાની ભાવનાથી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આરોપી હુમલાખોરો હાલ સુધી ભાજપના સક્રિય કાર્યકર્તા હતા. પરંતુ તેઓ થોડા સમય પહેલા કોંગ્રેસમાં જોડાયા છે. પોલીસે ભત્રીજા ફિરાઝુલ ઈસ્લામની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. જો કે હજુ સુધી પોલીસ આ ઘટના પાછળનું રાજકીય કારણ સ્વીકારવાનો ઈન્કાર કરી રહી છે.
પોલીસે જણાવ્યું કે શનિવારે પણ બીરભૂમના કેનિંગ વિસ્તારના ગોલબારી માર્કેટમાંથી એક બોમ્બ મળી આવ્યો હતો. આ બોમ્બ જોઈને સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જ્યારે બજારમાં હોબાળો મચી ગયો હતો. ત્યારે બોમ્બ સ્કવોડ સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બોમ્બ સ્થળ પરથી એક પિસ્તોલ અને છ જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. પોલીસ હજુ આ કેસમાં અડધો ડઝન જેટલા લોકોની અટકાયત કરીને પૂછપરછ કરી રહી હતી ત્યાં આ નવો બનાવ બન્યો છે.
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં બોમ્બ વિસ્ફોટની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ અહીં અનેક વખત બોમ્બ બ્લાસ્ટ થયા છે. ગયા વર્ષે માર્ચ 2022માં ટીએમસીના નેતા ભાદુ શેખ પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ ઘટનામાં ભાદુ શેઠનું મોત થયું હતું. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કારમાં બેઠેલા બદમાશો સરળતાથી નીચે ઉતરે છે અને ટીએમસી નેતાની કાર પર બોમ્બ ફેંકીને ભાગી જાય છે.
Published On - 8:59 am, Sun, 5 February 23