Uttar Pradesh: એક તરફ સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, જ્યારે બીજી તરફ નેતાઓ બેફામ બની રહ્યા છે. ઉતરપ્રદેશ રાજ્યના ભાજપના રાષ્ટ્રીય મંત્રી અને ગોરખપુર પ્રદેશના ચૂંટણી પ્રભારી અરવિંદ મેનન, (Arvind Menon) ભૂતપૂર્વ કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી અને ભાજપના સાંસદ શિવ પ્રતાપ શુક્લા અને એસપી સિટી સોનમ કુમાર સહિત ઘણા નેતાઓ કોરોના સંક્રમિત થયા છે.
આ બધાની વચ્ચે ભાજપના નેતાની મોટી બેદરકારી સામે આવી છે. પોઝિટીવ હોવા છતાં અરવિંદ મેનન ફ્લાઈટમાં ગોરખપુરથી નવી દિલ્હી જવા રવાના થતા ખળભળાટ મચી ગયો છે. તમને જણાવી દઈએ કે ભાજપ નેતા અરવિંદ મેનન શુક્રવારે કોરોના સંક્રમિત થયા હતા. આ પહેલા પણ અરવિંદ મેનને ગુરુવારે રાજીમાં યોજાયેલી પ્રદેશ મહાસચિવ સંગઠન સુનીલ બંસલની (Sunil Bansal) બેઠકમાં હાજરી આપી હતી. ત્યારે આ નેતાઓ જાણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવુ લાગી રહ્યું છે.
કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર સમગ્ર દેશમાં કોરોના વિસ્ફોટ થયો છે. ત્યારે કોરોના સંક્રમિત હોવા છતાં ભાજપના નેતા અરવિંદ મેનન ગોરખપુર (Gorkhpur) એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા. આ બેદરકારીના કારણે નેતાએ ફ્લાઈટના અનેક યાત્રીઓના જીવ જોખમમાં મુક્યા છે.
ગુરુવારે જાહેર કરાયેલા આરોગ્ય વિભાગના ડેટા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,121 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે એકનું મોત નીપજ્યુ છે. માત્ર લખનૌમાં 400થી વધુ નવા કેસ નોંધાતા તંત્ર દોડતુ થયુ છે.
આ નવા કેસ સાથે સક્રિય કેસોની સંખ્યા 8,224 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 16,88,105 દર્દીઓે કોરોનાને મ્હાત આપી છે. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 18 વર્ષથી વધુ ઉંમરના કુલ 12,98,89,556 લોકોને પ્રથમ ડોઝ અને 7 કરોડ 61 લાખથી વધુ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : કોરોનાથી હાહાકાર : પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી આજે PM મોદી સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક
Published On - 2:56 pm, Fri, 7 January 22