Breaking News : ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે આવેલા નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂનો કહેર, 4 દિવસમાં 2 લાખ મરઘાં માર્યા!

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુરમાં બર્ડ ફ્લૂનો ભયંકર પ્રકોપ ફેલાયો છે. ચાર દિવસમાં આશરે 2 લાખથી પણ વધુ મરઘાં મારવામાં આવ્યા છે. વહીવટીતંત્રે ચેપને રોકવા માટે એક વિશાળ કેમ્પેઈન શરૂ કરી છે અને લોકોને ચિકન અને ઇંડા ન ખાવાની અપીલ કરી છે.

Breaking News : ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે આવેલા નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂનો કહેર, 4 દિવસમાં 2 લાખ મરઘાં માર્યા!
Bird Flu Nandurbar Navapur
| Updated on: May 06, 2026 | 11:42 AM

ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. નવાપુર જિલ્લામાં અનેક મરઘાં ફાર્મમાં બર્ડ ફ્લૂથી સંક્રમિત મરઘાં મળી આવ્યા છે. આનાથી ગભરાટ ફેલાયો છે. રિપોર્ટ મુજબ, જે મરઘાં ફાર્મમાં ચેપગ્રસ્ત જોવા મળ્યા છે ત્યાંના તમામ મરઘાંઓને મારી નાખવામાં આવ્યા છે. ઇંડાનો પણ નાશ કરવામાં આવી રહ્યો છે. વધુમાં વિસ્તારના રહેવાસીઓને મરઘાં અને ઇંડા ન ખાવાની સલાહ આપી છે અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા વિનંતી કરી છે.

નવાપુરનો આ ત્રીજો મોટો રોગચાળો છે

નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂનો મોટો પ્રકોપ ફેલાયો છે. જેના પરિણામે માત્ર ચાર દિવસમાં લગભગ 2 લાખથી પણ વધુ મરઘાં મારવામાં આવ્યા છે. નવાપુરમાં આ ત્રીજો મોટો રોગચાળો છે. 2006માં આશરે 10 લાખ મરઘાં અને 14 લાખ ઇંડાનો નાશ કરવામાં આવ્યો હતો તો 2021માં આશરે 9 લાખ મરઘાં અને 60 લાખ ઇંડાનો નાશ કરાયો હતો.

2 લાખથી પણ વધુ મરઘાંનો નાશ

નવાપુર વિસ્તારમાં બર્ડ ફ્લૂના પ્રકોપને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે કડક પગલાં લીધા છે. છેલ્લા ચાર દિવસમાં આઠ મરઘાં ફાર્મમાંથી 2 લાખ જેટલા મરઘાં મારવામાં આવ્યા છે. વધુમાં 8લાખથી વધુ ઇંડાનો નાશ કરવામાં આવ્યો છે. આશરે 21.22 મેટ્રિક ટન પશુ આહાર દાટી દેવામાં આવ્યો છે. બર્ડ ફ્લૂના ચેપને અટકાવવા માટે વહીવટીતંત્ર કડક પગલાં લઈ રહ્યું છે. વિસ્તારમાં ચેતવણી જારી કરવામાં આવી છે અને નાગરિકોને વહીવટીતંત્રને સહકાર આપવા અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરવામાં આવી છે.

150 કર્મચારીઓની 25 ટીમો બનાવવામાં આવી

નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકામાં બર્ડ ફ્લૂને કારણે વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ત્રણ મરઘાં ફાર્મમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા બાદ અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ કેમ્પેઈન માટે આશરે 150 કર્મચારીઓની 25 ટીમો બનાવવામાં આવી. 1 કિલોમીટર, 3 કિલોમીટર અને 5 કિલોમીટરની ત્રિજ્યામાં વિસ્તારોને અલગ કરીને ચેપના ફેલાવાને રોકવા માટે પગલાં શરૂ કરવામાં આવ્યા છે. અન્ય મરઘાં ફાર્મના નમૂનાઓ ભોપાલની પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે અને તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

વહીવટીતંત્ર એલર્ટ પર

સંભવિત જોખમને રોકવા માટે વહીવટીતંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ખેડૂતો અને ફાર્મ સંચાલકોને સતર્ક રહેવા ચેતવણી આપી છે. તેમને કોઈપણ અચાનક પક્ષીઓના મૃત્યુ, ખોરાક અને પાણીની અછત અથવા ઇંડા ઉત્પાદનમાં ઘટાડો થાય તો તાત્કાલિક જાણ કરવા તાકીદ કરવામાં આવી છે.

આ પણ વાંચો, Breaking News : રાતે 9 વાગ્યે બંગાળના રસ્તાઓ પર ચાલ્યા બુલડોઝર, TMCના ઓફિસને કર્યું ધ્વસ્ત! મમતાની પાર્ટીએ કહ્યું કે ‘BJPએ…’

Follow Us