સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આજે દિલ્હી પરના અધિકારોને લગતા ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સંશોધન) બિલ, 2023 રજૂ કરવામાં આવનાર છે. દિલ્હી સેવા બિલ કેન્દ્ર સરકારને રાજધાની પર વધુ સત્તા આપે છે. 11 મેના રોજ સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં દિલ્હી સરકારને રાજધાનીમાં કામ કરતા નોકરિયાતો પર સંપૂર્ણ અધિકાર આપ્યો હતો.
એવું કહેવામાં આવ્યું હતું કે પોલીસ, કાયદો અને વ્યવસ્થા અને જમીન જેવા ત્રણ વિષયો સિવાય દિલ્હીની ચૂંટાયેલી સરકારનો અમલદારો પર સંપૂર્ણ અધિકાર હશે. જે બાદ કેન્દ્ર સરકારે દિલ્હીના સંદર્ભમાં વટહુકમ લાવ્યો હતો. સંસદમાં લાવવામાં આવી રહેલા આ સેવા બિલ દ્વારા કેન્દ્ર તેના વટહુકમને કાયદાકીય સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.
હિન્દુ ટાઈમ્સના અહેવાલમાં લોકસભાના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે દિલ્હી સર્વિસ બિલને રાજ્યસભામાં લઈ જવામાં આવે તે પહેલાં લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે, જ્યાં વિપક્ષ પ્રસ્તાવિત કાયદાનો સામનો કરવા માટે સંખ્યા બળના હિસાબે વધુ સારી સ્થિતિમાં છે. અધિકારીએ કહ્યું, “નોડલ મંત્રાલયે અમને જાણ કરી છે કે તેઓ દિલ્હી અધ્યાદેશને બદલવા માટે લોકસભામાં બિલ રજૂ કરવા માંગે છે. અમે ગૃહના કાર્યસૂચિમાં નવા બિલને સૂચિબદ્ધ કરવા માટે સંસદીય બાબતોના મંત્રાલયની સૂચનાની રાહ જોઈ રહ્યા છીએ.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે HTના રિપોર્ટરે બિલનો ડ્રાફ્ટ જોયો છે, જે દર્શાવે છે કે તેમાં ઓછામાં ઓછા ત્રણ મહત્વપૂર્ણ ફેરફારો છે. તેમાં એક વિવાદાસ્પદ જોગવાઈને દૂર કરવાનો પણ સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ દેખીતી રીતે મે 11ના સુપ્રીમ કોર્ટના ચુકાદાની અસરને ઓછો કરવાનો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીના વહીવટ પર વધુ નિયંત્રણ ચૂંટાયેલી સરકારને આપ્યું હતું.
આ સાથે બિલમાં ટ્રિબ્યુનલના વડાઓની નિમણૂકની પદ્ધતિમાં પણ ફેરફાર કરવાનો પ્રસ્તાવ છે, જેમાં હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને કેટલાક વિશેષાધિકારો આપવામાં આવ્યા છે. સોમવારના વિધાનસભા કાર્યસૂચિમાં દિલ્હી સેવાઓ બિલનો ઉલ્લેખ ન હોવા છતાં, કેન્દ્ર સરકાર કોઈપણ સમયે પૂર્વ સૂચના વિના ગૃહમાં પૂરક એજન્ડા દ્વારા બિલ લાવી શકે છે. અનુચ્છેદ-370 અને 35A હટાવવાના સમયે પણ તેમણે કંઈક આવું જ કર્યું હતું.