
10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એવું બહાર આવ્યું છે કે, એક વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુલ પાકિસ્તાનમાં તેમના હેન્ડલર્સ સાથે સંપર્ક જાળવવા માટે “ઘોસ્ટ” સિમ કાર્ડ અને એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરી રહ્યા હતા.
આ આતંકવાદીઓ શિક્ષિત હતા, જેમાં ડોકટરોનો પણ સમાવેશ થાય છે. તેઓએ પોતાની ઓળખ છુપાવવા માટે ગેરકાયદેસર રીતે મેળવેલા અથવા છેતરપિંડીથી જારી કરાયેલા સિમ કાર્ડ અને અલગ અલગ મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો.
આ તપાસના પરિણામોના આધારે દૂરસંચાર વિભાગે (DoT) 28 નવેમ્બરના રોજ એક મોટો આદેશ બહાર પાડ્યો. આ આદેશ મુજબ, વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ-આધારિત કોમ્યુનિકેશન સર્વિસ હંમેશા ડિવાઇસમાં એક્ટિવ ફિઝિકલ સિમ કાર્ડ સાથે જોડાયેલું હોવું જરૂરી છે.
સુરક્ષા અધિકારીઓના મતે, આવા સિમ કાર્ડ સામાન્ય રીતે નકલી અથવા ખોટા ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ કરીને મેળવવામાં આવે છે. તેઓ સામાન્ય નાગરિકોની આધાર વિગતોનો પણ દુરુપયોગ કરે છે અને વેરિફિકેશન નિયમોને બાયપાસ કરીને મોટી સંખ્યામાં સિમ કાર્ડ એક્ટિવ કરવામાં આવે છે.
તપાસકર્તાઓ કહે છે કે, આવા સિમ કાર્ડ ગુનેગારો અને આતંકવાદી જૂથોને તેમના હેન્ડલર સાથે વાતચીત કરવા તેમજ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશનોનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. આ ટેલિકોમ સર્વેલન્સ અને કાયદા અમલીકરણ એજન્સીઓ માટે એક મોટો પડકાર છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, તપાસમાં આ મોડ્યુલ દ્વારા ઉપયોગમાં લેવાતી એક અનોખી “બે ફોન” પદ્ધતિનો ખુલાસો થયો હતો. દરેક આતંકવાદી પાસે બે થી ત્રણ મોબાઇલ ફોન હતા. શંકા ટાળવા માટે તેમના પોતાના નામે નોંધાયેલ એક ફોનનો ઉપયોગ તેમની વ્યક્તિગત અને વ્યાવસાયિક વાતચીત માટે કરવામાં આવતો હતો.
બીજા ફોનને “આતંકવાદી ફોન” તરીકે ઓળખવામાં આવતો હતો, તેનો ઉપયોગ ફક્ત પાકિસ્તાનમાં તેમના હેન્ડલર્સ સાથે વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા એન્ક્રિપ્ટેડ વાતચીત માટે કરવામાં આવતો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ બીજા ફોનમાં ઉપયોગમાં લેવાતા સિમ કાર્ડ એવા નાગરિકોના નામે જારી કરવામાં આવ્યા હતા, જેમની આધાર વિગતોનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. બીજીબાજુ જમ્મુ અને કાશ્મીર પોલીસે એક અલગ રેકેટનો પણ પર્દાફાશ કર્યો હતો, જેમાં નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને સિમ કાર્ડ જારી કરવામાં આવી રહ્યા હતા.
ધરપકડ કરાયેલા લોકોમાં મુઝમ્મિલ ગનઈ અને અદીલ રાથેરનો સમાવેશ થાય છે. આ સિવાય પાકિસ્તાનમાં રહેતા હેન્ડલર્સની ઓળખ “ઉકાસા,” “ફૈઝાન,” અને “હાશ્મી” જેવા કોડ નામોથી કરવામાં આવી હતી.
તપાસકર્તાઓએ વધુમાં જણાવ્યું હતું કે, સુરક્ષા એજન્સીઓએ એક ચિંતાજનક વલણ જોયું છે. આ ખરાબ સિમ કાર્ડ્સ મેસેજિંગ પ્લેટફોર્મ પર ત્યારે પણ સક્રિય રહેતા હતા, જ્યારે ‘ડિવાઇસ’ પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) અથવા પાકિસ્તાનથી ચલાવવામાં આવી રહ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓને ઓનલાઈન વીડિયો જોઈને ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) કેવી રીતે બનાવવું તે શીખવા અને “આંતરિક” હુમલાઓની યોજના બનાવવાનું કહેવામાં આવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, નવા નિયમોનું પાલન ન કરવા પર ટેલિકોમ સાયબર સુરક્ષા નિયમો અને બીજા લાગુ કાયદાઓ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
‘વ્હાઇટ-કોલર’ આતંકવાદી મોડ્યુલનો ખુલાસો 18-19 ઓક્ટોબર, 2025 ની રાત્રે શરૂ થયો, જ્યારે શ્રીનગર શહેરની બહાર દિવાલો પર પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદ (JeM) ના પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા, જેમાં ખીણમાં પોલીસ તેમજ સુરક્ષા દળો પર હુમલાની ચેતવણી આપવામાં આવી હતી.
આ ઘટનાને ગંભીર ખતરો માનીને શ્રીનગરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક જીવી સંદીપ ચક્રવર્તીએ તપાસ માટે ઘણી ટીમો બનાવી. ધરપકડ કરાયેલા આતંકવાદીઓના નિવેદનોના આધારે તપાસ પોલીસને હરિયાણાના ફરીદાબાદમાં અલ ફલાહ યુનિવર્સિટી લઈ ગઈ, જ્યાં દક્ષિણ કાશ્મીરના પુલવામાના કોઇલના રહેવાસી ગનાઈ અને લખનૌના શાહીન સઈદ નામના બે ડોક્ટરની ધરપકડ કરવામાં આવી.
આ કાર્યવાહી દરમિયાન મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં 2,900 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ, પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફરનો સમાવેશ થાય છે. ‘NIA’ લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ કરી રહી છે, જેમાં 15 લોકો માર્યા ગયા હતા.
Published On - 8:22 pm, Sun, 4 January 26