
ચંદીગઢમાં ભાજપ કાર્યાલયની બહાર બુધવારે બપોરે વિસ્ફોટની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. સેક્ટર 37 સ્થિત કાર્યાલયની બહાર થયેલા આ વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઘટના અંગે માહિતી મળતા જ Chandigarh Police ની ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી.
અહેવાલો અનુસાર, વિસ્ફોટ સાંજે આશરે 5:30 વાગ્યાના સમયગાળા દરમિયાન થયો હતો. વિસ્ફોટના કારણે પાર્કિંગમાં ઊભેલા કેટલાક વાહનોને નુકસાન થયું હતું અને કેટલાક વાહનો પર વિસ્ફોટના નિશાન પણ જોવા મળ્યા હતા. ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચકાસણી કરવામાં આવી રહી છે. હાલ વિસ્ફોટનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક રીતે બોમ્બ વિસ્ફોટ હોવાની અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિસ્ફોટ બાદની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં પોલીસ કર્મચારીઓ સ્થળ પર તપાસ કરતા જોવા મળે છે. સ્કૂટર અને કાર સહિતના વાહનોને પણ નુકસાન થયેલું નજરે પડે છે.
આ અંગે ભાજપ નેતા અને ચંદીગઢના મેયરના ભાઈ વિનીત જોશીએ જણાવ્યું હતું કે વિસ્ફોટના કારણે થોડાક વાહનોને નુકસાન થયું છે અને ઘટનાનો અવાજ સ્પષ્ટ રીતે સંભળાયો હતો. હાલમાં પોલીસ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે અને સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે.
Published On - 5:51 pm, Wed, 1 April 26