
ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની શરૂઆત પહેલા જ જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિ (JBSS)એ સરકારને ચેતવણી આપી છે. જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિ એ જોશીમઠમાં ચાલી રહેલા NTPC પ્રોજેક્ટને તાત્કાલિક રોકવાની માંગ કરી છે. આમ કરવામાં સરકાર નિષ્ફળ રહેશે તો સમિતિને ચાર ધામ યાત્રા દરમિયાન બદ્રીનાથ રોડ પર ટ્રાફિકને અટકાવી દેવાની ફરજ પડશે. સમિતિએ સ્પષ્ટ કહ્યું છે કે આવી સ્થિતિ માટે રાજ્ય સરકાર સીધી રીતે જવાબદાર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં 27 એપ્રિલથી બદ્રીનાથ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે.
સમિતિએ કહ્યું કે જોશીમઠ દુર્ઘટનાને બે મહિના થઈ ગયા છે. પરંતુ સ્થિતિ યથાવત્ છે. એનટીપીસીના તપોવન વિષ્ણુગઢ હાઇડલ પ્રોજેક્ટ ઉપરાંત હેલાંગ બાયપાસ રોડ પર કામ ચાલી રહ્યું છે. સમિતિના ગ્રૂપ કન્વીનર અતુલ સતીએ જણાવ્યું હતું કે, જોશીમઠને બચાવવા માટે સમિતિ સતત આ બાબતને સરકાર અને તંત્ર સમક્ષ ઉઠાવી રહી છે. એનટીપીસી પ્રોજેક્ટ બંધ કરવા તલાટીથી લઈને મુખ્ય પ્રધાન સુધી માંગણીઓ કરવામાં આવી હતી. આમ છતાં હજુ સુધી કામ અટક્યું નથી.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો જોશીમઠ ભૂસ્ખલનનો મામલો, પીઆઈએલ દાખલ કરવામાં આવી
તેમણે કહ્યું કે તેમના જૂથ વતી અહીં 3000 થી વધુ પરિવારોનું પુનર્વસન કરવાની માંગ કરવામાં આવી હતી. જ્યારે સરકારે માત્ર 300 પરિવારોને વિસ્થાપિત કર્યા છે. તેમણે કહ્યું કે જોશીમઠના ગ્રાઉન્ડ રિપોર્ટ પર વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવ્યો છે. એનડીએમએને રિપોર્ટ સોંપવાની સતત માંગ કરી છે.
આ અહેવાલ સાર્વજનિક થયા પછી, તે વિસ્થાપિતો માટે રાહત પેકેજ નક્કી કરવામાં મદદ કરશે. જણાવી દઈએ કે કર્ણપ્રયાગ અને તેની આસપાસના વિસ્તારોના રહેવાસીઓ સતત ફરિયાદ કરી રહ્યા છે કે NTPCના કામને કારણે, તેમના ઘરમાં પણ સતત તિરાડો પડી રહી છે.
સ્થાનિક લોકો સતત તપોવન પ્રોજેક્ટ બંધ કરવાની માંગ કરી રહ્યા છે. આ સાથે પહાડો કાપવા અને વિસ્ફોટ કરવાના મામલા પર પ્રતિબંધ મુકવાની માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જોશીમઠ દુર્ઘટનાનો મામલો ત્રણ મહિના પહેલા સામે આવ્યો હતો. જમીન અને મકાનોમાં એટલી બધી તિરાડો પડી ગઈ હતી કે લોકોને અહીંથી વિસ્થાપિત થવું પડ્યું હતું. સ્થાનિક લોકોએ આ ઘટનાઓ માટે રાજ્ય સરકારને જવાબદાર ગણાવી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકારે આયોજન વિના બાંધકામ શરૂ કર્યું હતું, જેના કારણે પાણી લીકેજ થવા અને તિરાડોના બનાવો બન્યા હતા. જેના કારણે હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.