ભાજપે 2023માં 9 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અને 2024માં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાતની જીતને ઐતિહાસિક અને મોટી ગણાવીને આગામી 9 રાજ્યોની ચૂંટણીઓમાં નેતાઓને આ જ રીતે બુથ સ્તર અને પેજ સ્તરે મજબૂતીથી લડવા અને જીતવાની સલાહ આપી છે. નડ્ડાએ તેમના પ્રમુખપદના ભાષણમાં સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટીને એક પણ રાજ્યમાં ચૂંટણી હારવી પોસાય તેમ નથી. નડ્ડાએ રાષ્ટ્રીય કારોબારીના તમામ સભ્યોને સ્પષ્ટપણે કહ્યું કે, ગુજરાત મોડલના આધારે આગામી લોકસભા જીતવા માટે ભરપૂર પ્રયાસ કરવા જોઈએ.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ નેતાઓને કહ્યું કે, ગુજરાતની ચૂંટણી દરમિયાન વડાપ્રધાને પોતે જે રીતે પાર્ટીને ઐતિહાસિક જીત તરફ દોરી તેમાંથી આપણે બધાએ શીખવાની જરૂર છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે નબળા પ્રદર્શનવાળા 72,000 બૂથને ઓળખવા અને તેને વધુ મજબૂત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં પાર્ટીના નેતાઓએ 1,30,000 નબળા બૂથની ઓળખ કરી અને જીતવા માટે લક્ષ્ય નક્કી કર્યું. ભાજપે આગામી 13 ફેબ્રુઆરીએ દયાનંદ સરસ્વતીની 200મી જન્મશતાબ્દી ઉજવવાનું નક્કી કર્યું છે. જેમાં વડાપ્રધાન મોદી પોતે ભાગ લેશે.
પ્રમુખસ્તરેથી કરાયેલા સંબોધન બાદ, 5 રાજ્યોના નેતાઓએ ચૂંટણીને લઈને તેમની તૈયારીઓ અંગે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં કેન્દ્રીય નેતૃત્વને પ્રેઝન્ટેશન આપ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના ભાજપ એકમ અને તેના પ્રમુખ બંદી સંજય કુમારની પ્રશંસા કરી હતી અને પ્રતિકૂળ સંજોગોમાં તેલંગાણામાં સંઘર્ષ કરી રહેલા ભાજપના નેતાઓની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ નાગાલેન્ડના પ્રેઝન્ટેશનમાં પણ ઘણો રસ દાખવ્યો હતો અને ત્યાંના નેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં એક રાજકીય ઠરાવ લાવવામાં આવ્યો હતો. જેમાં વિવિધ 9 મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સૌથી મહત્વનો મુદ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિપક્ષી પાર્ટીઓ દ્વારા વ્યક્તિગત અને અસંયમિત ટીપ્પણીઓ અને આક્ષેપો અને હુમલાઓ પર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, રાજકીય ઠરાવ રજૂ કરતા કાયદા મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી અનેક વખત નારાજગી વ્યક્ત કરવા છતાં વિપક્ષના નેતાઓ અટકી રહ્યા નથી. ઉદાહરણ તરીકે, પેગાસસ જાસૂસી કેસ, રાફેલ ડીલ, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, EWS આરક્ષણ, નોટબંધી અને ED-CBIના દુરુપયોગ જેવા મુદ્દાઓ પર, વિપક્ષને કોર્ટમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ સાથે વડાપ્રધાન મોદીએ દેશને આધ્યાત્મિક અને ધાર્મિક રીતે કેવી રીતે મજબૂત કર્યો છે તેનો પણ રાજકીય ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કાશી તમિલ સમાગમથી લઈને મહાકાલ કોરિડોર, કાશી વિશ્વનાથ કોરિડોર, રામ મંદિરનું નિર્માણ, રામ સર્કિટ અને બુદ્ધ સર્કિટનું નિર્માણ જેવી અનેક યોજનામાં વડાપ્રધાને અંગત રસ દાખવવા સાથે મહત્વની ભૂમિકા ભજવી હતી.
રાજકીય પ્રસ્તાવ પર નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીનો મન કી બાત કાર્યક્રમ સામાન્ય જનતા અને સરકારો વચ્ચે સેતુનું કામ કરી રહ્યો છે. સાથે જ હર ઘર ઘર તિરંગા અભિયાને 20 કરોડનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ 30 કરોડ સુધી પહોંચી ગયો છે. દેશભક્તિની ભાવનાને જાગૃત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહીને સીતારમણે ખાસ કરીને કહ્યું કે 26 ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે જાહેર કરીને શીખ સમુદાયને આદર આપવામાં આવ્યો છે.
ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં પ્રથમ દિવસના છેલ્લા સત્રમાં 9 રાજ્યોની ચૂંટણી અંગે પ્રેઝન્ટેશન રજુ કરાયું હતું. એટલે કે, કુલ 13 રાજ્યોએ પોતપોતાના રાજ્યોમાં ચાલી રહેલી કામગીરીના આધારે પ્રેઝન્ટેશન આપ્યું હતું. રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ પ્રેઝન્ટેશનમાં ગેહલોત સરકાર વિરુદ્ધ જનક્રોશ યાત્રાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.