જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરથી એક ચોકાવનારા સમાચાર વીડિયો સ્વરૂપે સામે આવ્યા છે. શુક્રવારે સાંજે હઝરતબલ દરગાહ પર હોબાળો થયો હતો. લોકોએ દરગાહની એક દિવાલ પર સ્થાપિત તક્તિમાંથી અશોકચિન્હનું પ્રતીક ઈંટ મારી મારીને તોડી નાખ્યું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હઝરતબલ દરગાહ પર એકઠી થયેલી ભીડે દરગાહમાં આરસપહાણ પર કોતરેલા અશોકના પ્રતીકને તોડી નાખ્યું. ભીડમાંથી કેટલાક લોકોનો અવાજ આવી રહ્યો છે. જે અનુસાર, આકૃતિઓ કોતરવી એ ઇસ્લામિક રીત રિવાજોની વિરુદ્ધ છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં દરગાહના નવીનીકરણ માટે આરસપહાણના પથ્થરની સ્થાપના કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, ઈદ-એ-મિલાદના પ્રસંગે, લોકો હઝરતબલ દરગાહ પર સ્થાપિત અશોકચિન્હના પ્રતીક અંગે ગુસ્સે હતા, ત્યારબાદ તેને ઈંટ મારીને તોડી નાખવામાં આવ્યું હતું. અગાઉ પણ લોકોએ દરગાહમાં અશોક ચિન્હના પ્રતીક સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુસ્સે ભરાયેલા ટોળા દ્વારા અશોક પ્રતીક તોડવામાં આવ્યું હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જ્યારે, જમ્મુ અને કાશ્મીર વક્ફ બોર્ડે, હજરતબલ દરગાહમાં અશોક ચિન્હ તોડનારા તોફાની તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ભાજપના નેતા અને જમ્મુ અને કાશ્મીર વક્ફ બોર્ડના અધ્યક્ષ ડૉ. દક્ષશન અંદ્રાબીએ કહ્યું, “આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. રાષ્ટ્રીય પ્રતીકને કલંકિત કરવું એ આતંકવાદી હુમલા બરાબર છે અને હુમલાખોરો એક રાજકીય પક્ષના ગુંડા છે. આ લોકોએ પહેલા પણ કાશ્મીરને બરબાદ કર્યું છે અને હવે તેઓ ખુલ્લેઆમ દરગાહ શરીફમાં પ્રવેશ્યા છે. અમારા પ્રશાસક માંડ માંડ બચી ગયા. ટોળાએ તેમના પર પણ હુમલો કર્યો હતો.”
ડૉ. દક્ષશન અંદ્રાબીએ કહ્યું, “આ ટોળાએ રાષ્ટ્રીય પ્રતીકને કલંકિત કરીને મોટો ગુનો કર્યો છે. તેઓએ દરગાહની ગરિમાને નુકસાન પહોંચાડ્યું છે. એકવાર તેમની ઓળખ થઈ ગયા પછી, તેમને આજીવન દરગાહમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમની સામે FIR પણ નોંધવામાં આવશે.”
હોબાળા પછી, નેશનલ કોન્ફરન્સના મુખ્ય પ્રવક્તા અને ધારાસભ્ય તનવીર સાદિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વિરોધીઓ સાથે એકતા વ્યક્ત કરી. તેમણે લખ્યું, “હું ધાર્મિક વિદ્વાન નથી, પરંતુ ઇસ્લામમાં મૂર્તિ પૂજા સખત પ્રતિબંધિત છે. તે સૌથી મોટું પાપ છે. આપણી શ્રદ્ધાનો પાયો તૌહીદ છે. સાદિકે પવિત્ર સ્થળોની પવિત્રતા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો અને કહ્યું, “હઝરતબલ દરગાહ પર મૂર્તિ સ્થાપિત કરવી આ માન્યતાની વિરુદ્ધ છે. પવિત્ર સ્થળોએ ફક્ત તૌહીદની પવિત્રતા દર્શાવવી જોઈએ અને બીજું કંઈ નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં હઝરતબલ દરગાહનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ પહેલા, વક્ફ બોર્ડના અધ્યક્ષ અને ભાજપના નેતા ડૉ. દરક્ષણ અંદ્રાબીએ નવીનીકૃત હઝરતબલ દરગાહનું ઉદ્ઘાટન કર્યું હતું. ઈદ-એ-મિલાદના પ્રસંગે, લોકો દરગાહમાં બનેલી મસ્જિદમાં નમાજ અદા કરવા આવ્યા હતા. જ્યારે લોકોએ આરસપહાણની તકતી પર અશોકનું પ્રતીક જોયું, ત્યારે તેઓ ઉશ્કેરાઈ ગયા. ગુસ્સે ભરાયેલા લોકોએ તકતી પર અશોકનું પ્રતીક ઈંટથી તોડી નાખ્યું. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:56 pm, Fri, 5 September 25