દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે દલિત બાળકીની ઓળખ કથિત રીતે જાહેર કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે એફઆઈઆર નોંધવાની માંગ કરતી અરજી પર નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPR) પાસે જવાબ માંગ્યો હતો. આ ઘટનાક્રમ એવા સમયે બન્યો છે, જ્યારે એક દિવસ અગાઉ એક કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની કેદની સજા ફટકારી હતી. અને શુક્રવારે તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.
વર્ષ 2021માં દલિત યુવતી પર દુષ્કર્મ અને બાદમાં હત્યા કરવામાં આવી હતી. રાહુલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર બાળકીના માતા-પિતા સાથેની તસવીર શેર કરી હતી. ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સચિન દત્તાની બેન્ચે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPR)ને નોટિસ જાહેર કરી હતી. અને અરજી પર કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટે આ મામલાની સુનાવણી 27મી જુલાઈ માટે કરી હતી.
અગાઉ, NCPCRના વકીલે જણાવ્યું હતું કે તેમને ઔપચારિક નોટિસ જાહેર કરવામાં આવી નથી અને હાઇકોર્ટને વિનંતી કરી કે તેઓ અરજી પર બાળ અધિકાર સંસ્થાને નોટિસ ઇશ્યૂ કરે જેથી તે એફિડેવિટ ફાઇલ કરી શકે. NCPCR એ બેન્ચને જણાવ્યું હતું કે ગાંધીના કથિત ટ્વિટને કાઢી નાખવાના ટ્વિટરના દાવા છતાં, દુષ્કર્મના કેસમાં પીડિતાની ઓળખ જાહેર કરવી એ ગુનો છે.
સામાજિક કાર્યકર મકરંદ સુરેશ મ્હાડલેકરે 2021માં હાઈકોર્ટમાં દાવો કર્યો હતો કે પીડિતાના માતા-પિતા સાથે તસવીર શેર કરીને ગાંધીએ જુવેનાઈલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ 2015 અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, 2012નું ઉલ્લંઘન કર્યું છે. આ કાયદો જાતીય ગુનાનો ભોગ બનેલી સગીર વ્યક્તિની ઓળખ જાહેર કરવા પર પ્રતિબંધ મૂકે છે. ‘Twitter’ એ આના જવાબમાં કહ્યું હતું કે અરજીનું હવે કોઈ સમર્થન નથી. કારણ કે ભારતમાં ટ્વિટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તે હવે ભારતમાં ક્યાંય ઉપલબ્ધ નથી.
‘ટ્વિટર’ના વકીલે ધ્યાન દોર્યું કે ગાંધીનું એકાઉન્ટ શરૂઆતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, પરંતુ પછીથી તેને પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. નોંધપાત્ર રીતે, 1 ઓગસ્ટ, 2021 ના રોજ, એક નવ વર્ષની દલિત બાળકીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. છોકરીના માતા-પિતાનો આરોપ છે કે દક્ષિણ પશ્ચિમ દિલ્હીના જૂના નાંગલ ગામમાં સ્મશાનભૂમિમાં ધાર્મિક વિધિ કરનાર વ્યક્તિ દ્વારા તેણી પર દુષ્કર્મ કરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
Published On - 4:30 pm, Fri, 24 March 23