કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) હૈદરાબાદ (Hyderabad) પહોંચી ગયા છે. તેઓ મુચિંતલમાં ચિન્ના જીયાર સ્વામી (Chinna Jeeyar Swamy) આશ્રમ ખાતે શ્રી રામાનુજાચાર્ય સહસ્ત્રાબ્દી મહોત્સવમાં (Ramanujacharya Sahasrabdi Samaroham) ભાગ લીધો. તેઓએ આશ્રમમાં ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ની મુલાકાત લઈ દર્શન કર્યા. આ ઉપરાંત ગૃહમંત્રી આશ્રમમાં બનેલા 108 દિવ્યદેશમ (મંદિર)ની પણ મુલાકાત લીધી હતી.
અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અહીં 11મી સદીના વૈષ્ણવ સંત શ્રી રામાનુજાચાર્યની યાદમાં 216 ફૂટ ઊંચી ‘સ્ટેચ્યુ ઑફ ઇક્વાલિટી’ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ સાથે આ પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી હતી. રામાનુજાચાર્યએ રાષ્ટ્રીયતા, જાતિ અથવા સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના દરેક માનવીની ભાવના સાથે લોકોના ઉત્થાન માટે અથાક કામ કર્યું હતું.
શ્રી રામાનુજાચાર્યના સમાનતાના સંદેશની પ્રશંસા કરતા વડાપ્રધાને કહ્યું કે તેમની સરકાર સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્ર સાથે સમાન ભાવના સાથે દેશના નવા ભવિષ્યનો પાયો નાંખી રહી છે.
વડાપ્રધાને ત્રિદંડી ચિન્ના જીયાર સ્વામીના આશ્રમની પણ મુલાકાત લીધી હતી. આ આશ્રમમાં શ્રી રામાનુજાચાર્યની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. વડાપ્રધાને આશ્રમ પરિસરમાં સ્થિત યજ્ઞશાળામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના પણ કરી હતી. તેમણે પરિસરમાં બનેલા 108 દિવ્યદેશમની પણ પરિક્રમા કરી.
આ દિવ્યદેશમ ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ની આસપાસ બાંધવામાં આવ્યા છે. ‘સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી’નું ઉદ્ઘાટન એ રામાનુજાચાર્યની 1000મી જન્મજયંતિની ઉજવણીનો ભાગ હતો. કાર્યક્રમ દરમિયાન સંત રામાનુજાચાર્યની જીવન યાત્રા અને શિક્ષા પર 3D પ્રેઝન્ટેશન મેપિંગ પણ કરવામાં આવ્યું હતું.
‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ ‘પંચધાતુ’થી બનેલી છે જે સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને જસતનું મિશ્રણ છે. તે વિશ્વની સૌથી ઊંચી ધાતુની પ્રતિમાઓમાંની એક છે. તેની સ્થાપના 54-ફીટ ઊંચી પાયાની ઇમારત પર કરવામાં આવી છે, જેને ‘ભદ્ર વેદી’ નામ આપવામાં આવ્યું છે. સંકુલમાં વૈદિક ડિજિટલ લાઇબ્રેરી અને સંશોધન કેન્દ્ર, પ્રાચીન ભારતીય ગ્રંથો, થિયેટર, શૈક્ષણિક ગેલેરી છે, જે સંત રામાનુજાચાર્યના ઘણા કાર્યોની યાદ અપાવે છે. આ પ્રતિમા 120 કિલો સોનામાંથી બનાવવામાં આવી છે.
આ પણ વાંચો : મેઘાલયમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, તમામ પાંચ ધારાસભ્યોએ પાર્ટી છોડી, MDAમાં થશે સામેલ
Published On - 6:05 pm, Tue, 8 February 22