
અમરનાથ હિંદુ ધર્મના મુખ્ય તીર્થ સ્થાનોમાંથી એક છે. જે જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરથી ઉત્તર-પૂર્વમાં 135 કિલોમીટર દૂર દરિયાની સપાટીથી 13,600 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે. અમરનાથ યાત્રાને કોઈ સ્વર્ગ પ્રાપ્તિનો માર્ગ તો કોઈ મોક્ષ પ્રાપ્તિનું સ્થાન ગણે છે. પરંતુ એ સત્ય છે કે અહીં જે પણ ભક્તો પહોંચે છે તે ભગવાન શિવના સ્વયંભૂ શિવલિંગના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. જોકે અહીં પહોંચવું આસાન નથી. અમરનાથ પહોંચ્યા પછી પવિત્ર ગુફા સુધી પહોંચવા માટે લાંબી યાત્રા કરવી પડે છે તેમજ ઉંચાઈ પર ચઢવું પડે છે.
આ વર્ષે અમરનાથ યાત્રા 1 જુલાઈ 2023થી શરૂ થશે જે 31 ઓગષ્ટ 2023એ સમાપ્ત થશે. તમને જણાવીએ દઈએ કે શરૂઆતમાં યાત્રા 15 દિવસની જ થતી હતી, પરંતુ 2004 પછી અમરનાથ યાત્રાનો સમયગાળો વધારીને 2 મહિના કરવામાં આવ્યો. આ વર્ષે યાત્રા માટેનું રજીસ્ટ્રેશન 17 અપ્રિલ 2023થી શરૂ કરવામાં આવ્યું હતું, જે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થઈ શકે છે.
અમરનાથ યાત્રા સાથે જોડાયેલા ઈતિહાસની વાત કરીએ તો અમરનાથ ગુફાના દર્શન સૌપ્રથમ મહર્ષિ ભૃગુ ઋષિએ કર્યા હતા. કહેવામાં આવે છે કે એક વખત કાશ્નીર ઘાટી જ્યારે પાણીથી સંપૂર્ણ રીતે ડૂબી ગઈ હતી ત્યારે મહર્ષિ કશ્યપે નદી-નાળા દ્વારા પાણીનો નિકાલ કર્યો હતો. એ સમયે મહર્ષિ ભૃગુ હિમાલયની યાત્રા પર આ રસ્તેથી આવ્યા હતા. તે તપસ્યા માટે એકાંતવાસ શોધી રહ્યા હતા ત્યારે તેમને અમરનાથની ગુફાના દર્શન કર્યા હતા. ત્યાર પછીથી દર વર્ષે શ્રાવણ મહિના (જુલાઈ-ઓગષ્ટ)માં પવિત્ર ગુફાના દર્શન કરવાની શરૂઆત થઈ છે. ઈતિહાસકાર કલ્હણના પુસ્તક ‘રાજતરંગિણી’ અને ફ્રાંસના યાત્રી ફ્રાંસ્વા બર્નિયરની પુસ્તકમાં અમરનાથની યાત્રા વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી છે.
અમરનાથ ગુફાને પ્રાચીન કાળમાં ‘અમરેશ્વર’ કહેવામાં આવતું હતું. અહીંયા બર્ફનું શિવલિંગ બનતું હોવાથી લોકો તેને ‘બાબા બર્ફાની’ પણ કહે છે. અમરનાથ ગુફામાં પાર્વતીજીનું શક્તિપીઠ છે, જે 51 શક્તિપીઠોમાંથી એક છે. એવી માન્યતા છે કે જે ભક્તો પવિત્ર મન અને શ્રદ્ધાથી ગુફામાં બનેલા શિવલિંગના દર્શન કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે બાબા અમરનાથના દર્શન કરવાથી કાશીમાં પૂજા અને દર્શન કરતા દસ ગણું, પ્રયાગથી સો ગણું અને નૈમિષારણ્યથી હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.
ગ્રીષ્મ ઋતુ સિવાય બાકીના સમયમાં અમરનાથ ગુફા બર્ફથી ઢંકાયેલી રહે છે. અમરનાથ ગુફાનું રહસ્ય એ છે કે અહીંયા શિવલિંગ પ્રાકૃતિક રૂપે બને છે. મતલબ કે અહીંયા શિવલિંગનું બનાવવામાં આવતું નથી, પરંતુ સ્વયંભૂ શિવલિંગ બને છે. ગુફાની છતમાંથી બર્ફની તિરાડોમાંથી પાણી ટપકે છે, જેનાથી બર્ફનું શિવલિંગ બને છે. શિવલિંગની બીજુમાં અન્ય બે નાના શિવલિંગ પણ બને છે, જેને ભક્તો માતા પાર્વતી અને ભગવાન ગણેશનું પ્રતીક માને છે.
અમરનાથ ગુફાનું શિવલિંગ વિશ્વનું એકમાત્ર એવું શિવલિંગ છે, જે ચંદ્રના અજવાળાના ચક્રની સાથે વધે છે અને ઘટે છે. શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે શિવલિંગ પૂરા આકારમાં હોય છે અને અમાસ સુધીમાં તેનો આકાર ઘટતો રહે છે. આ ઘટના દર વર્ષે થાય છે. બર્ફથી બનેલા આ શિવલિંગના દર્શન માટે દરવર્ષે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે.