
અમદાવાદમાં 12 જુને થયેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશની ઘટનાથી સમગ્ર વિશ્વ હચમચી ઉઠ્યુ હતુ. દુર્ઘટના બાદ બોઇંગ વિમાનો વિશે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. આ જ કારણ છે કે એવિએશન સેફ્ટીએ તમામ બોઇંગ વિમાનોના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચના ‘લોક’ તપાસવાનો આદેશ આપ્યો હતો.
બુધવારે એર ઇન્ડિયાએ તેના તમામ બોઇંગ 787 વિમાનોના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની તપાસનું કામ પૂર્ણ કર્યું છે. આ તપાસમાં એવું જાણવા મળ્યું કે બોઇંગની ફ્યુઅલ લોકીંગ સિસ્ટમમાં કોઈ ખામી જોવા મળી નથી. એવિએશન કંપની એર ઇન્ડિયાના એક અધિકારીએ આ માહિતી આપી.
તપાસ રિપોર્ટ બહાર આવ્યાના બે દિવસ પછી, સોમવારે (14 જુલાઈ, 2025) ડીજીસીએએ તમામ એરલાઇન્સને તેમના બોઇંગ 787 અને 737 વિમાનમાં ફ્યુઅલ સ્વિચ લોકીંગ સિસ્ટમની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો. આ તપાસનો આદેશ આપવા પાછળનું કારણ ગયા મહિને 12 જૂને અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટના હતી.
એર ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે બોઇંગ 787-8 વિમાનનું નિરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે. તેમને ફ્યુઅલ કંટ્રોલ સ્વિચના લોકીંગ મિકેનિઝમમાં કોઈ સમસ્યા મળી નથી. અમે તમામ પાસાઓની તપાસ કરી છે. ઉડ્ડયન સલામતી નિયમનકારે એરલાઇન્સને તેમના બોઇંગ 787 અને 737 વિમાનોમાં ફ્યુઅલ સ્વીચ લોકીંગ સિસ્ટમનું નિરીક્ષણ 21 જુલાઈ સુધીમાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
કંપનીએ બુધવારે જણાવ્યું હતું કે, “અમારી એન્જિનિયરિંગ ટીમે અમારા બધા બોઇંગ 787 વિમાનોના FCS (ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ) ના લોકીંગ મિકેનિઝમનું નિરીક્ષણ શરૂ કર્યું છે. અધિકારીએ એમ પણ કહ્યું હતું કે બોઇંગ જાળવણી કાર્યક્રમ મુજબ, બધા બોઇંગ 787-8 વિમાનોમાં થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ બદલવામાં આવ્યું છે. FCS આ મોડ્યુલનો એક ભાગ છે. ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો એરક્રાફ્ટ એન્જિનમાં ઇંધણના પ્રવાહને નિયંત્રિત કરે છે.
12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ટેક-ઓફ થયાના થોડીક સેકન્ડ પછી જ ક્રેશ થયું. આ અકસ્માતમાં 260 લોકોનાં મોત થયાં. આ અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ 12 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં ખુલાસો થયો હતો કે ટેક-ઓફ થયાની થોડીક સેકન્ડ પછી, વિમાનના બંને એન્જિન અચાનક આપમેળે બંધ થઈ ગયા, જેના કારણે આ સમગ્ર અકસ્માત થયો. આ અહેવાલ પછી ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પછી, બોઇંગના FCS ની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.