કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો મેળવીને જીત મેળવી હતી, જે બાદ ફરી એકવાર બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની ચર્ચાઓ થવા લાગી છે. બીજી બાજુ, વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના મહાસચિવ મિલિંદ પરાંડેએ આ મામલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે કહ્યું કે અમે અમારા સહયોગી સંગઠન બજરંગ દળના પ્રતિબંધની ધમકીથી ડરતા નથી, કોંગ્રેસ પાર્ટી દ્વારા તેના વચન મુજબ મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે કોંગ્રેસની કર્ણાટકમાં સરકાર આવશે તો બજરંગ દળને બેન કરવામાં આવશે.
આ પણ વાચો: Viral Video: કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર Pakistan ઝિંદાબાદના લાગ્યા નારા, પોલીસે નોંધી FIR
એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા પરાંડેએ કહ્યું કે કર્ણાટકમાં સરકાર બનાવ્યા બાદ જો કોંગ્રેસ હિન્દુઓ પ્રત્યે નફરતના કારણે બજરંગ દળ પર પ્રતિબંધ મૂકશે તો અમે અમારી સંસ્કૃતિ, ધર્મ અને સમાજની રક્ષા માટે જે યોગ્ય હશે તે કરીશું. આ માટે અમે પહેલેથી જ તૈયાર બેઠા છીએ. 1992માં બાબરી ધ્વંસનો ઉલ્લેખ કરતાં VHP નેતાએ કહ્યું કે તે સમયે પણ કોંગ્રેસે અમારા સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ કોર્ટે પ્રતિબંધ ખોટો હોવાનું કહીને પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. તેમણે બજરંગ દળની તુલના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) જેવા સંગઠન સાથે કરી હતી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદેશ ભાજપની સાથે કોંગ્રેસની પણ આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના લોકોએ પહેલા ભગવાન રામ પર પ્રતિબંધ લગાવ્યો, હવે તેઓ હનુમાનજી પર પ્રતિબંધ લગાવવામાં લાગેલા છે.
જેના પર કોંગ્રેસે પલટવાર કરતા કહ્યું કે ભાજપના લોકો બિનજરૂરી રીતે બજરંગ બલીની તુલના બજરંગ દળ સાથે કરી રહ્યા છે. આ સાથે જ કર્ણાટકમાં જીત બાદ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભગવાન હનુમાન કોંગ્રેસની સાથે છે. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં એક અઠવાડિયા પહેલા ચૂંટણી થઈ હતી. જેનું પરિણામ શનિવારે એટલે કે 13મી મેના રોજ આવ્યું હતું. ત્રણ દાયકા બાદ ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીએ મોટા વોટ શેર સાથે જીત મેળવી છે.