ભારતીય જનતા પાર્ટીના (BJP) સાંસદ હેમા માલિનીએ (Hema Malini) રવિવારે આશા વ્યક્ત કરી હતી કે અયોધ્યા (Ayodhya) અને કાશી બાદ તેમના મત વિસ્તાર મથુરામાં પણ ભવ્ય મંદિર બનશે અને તેમણે કાશી વિશ્વનાથ કોરિડોરનું (Kashi Vishwanath Corridor) ઉદાહરણ આપ્યું હતું. હેમા માલિનીએ રવિવારે ઈન્દોરમાં પત્રકારોને જણાવ્યું હતું કે રામ જન્મભૂમિ અને કાશીના કાયાકલ્પ બાદ સ્વાભાવિક રીતે મથુરા પણ ખૂબ મહત્વનું છે.
ઈન્દોરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા બીજેપી સાંસદ હેમા માલિનીએ કહ્યું કે તેઓ આમંત્રણ પર સોમવારે કાશી જઈ રહ્યા છે. એમ પણ કહ્યું કે પ્રેમ અને લાગણીના પ્રતિક એવા ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ મથુરાના સાંસદ હોવાના કારણે હું કહીશ કે ત્યાં એક ભવ્ય મંદિર હોવું જોઈએ.
મથુરામાં એક મંદિર પહેલેથી જ છે અને તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દ્વારા વિકસિત કાશી વિશ્વનાથ કોરિડોરની જેમ સુધારી શકાય છે. તેમણે કહ્યું કે આ પરિવર્તન (કાશી વિશ્વનાથનું કાયાકલ્પ અને પુનઃવિકાસ) ખૂબ મુશ્કેલ હતું. આ પીએમ મોદીનું વિઝન દર્શાવે છે. મથુરામાં પણ આવું જ થશે.
241 વર્ષ બાદ બાબાના ધામનું નવું સ્વરૂપ
ગંગાના કિનારેથી મંદિરના ગર્ભગૃહ સુધી બનેલા કાશી વિશ્વનાથ ધામનું આ નવું સ્વરૂપ 241 વર્ષ પછી દુનિયા સમક્ષ આવી રહ્યું છે. ઈતિહાસકારોના મતે શ્રી કાશી વિશ્વનાથ મંદિર પર વર્ષ 1194 થી 1669 સુધી અનેક વખત હુમલો કરવામાં આવ્યો હતો. મરાઠા સામ્રાજ્યની મહારાણી અહલ્યાબાઈ હોલ્કર દ્વારા 1777 અને 1780 ની વચ્ચે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. 250 વર્ષ બાદ પીએમ મોદીએ 8 માર્ચ 2019ના રોજ મંદિરના આ ભવ્ય દરબારનો શિલાન્યાસ કર્યો હતો.
3 ભાગોમાં વહેંચાયેલું છે કાશી વિશ્વનાથ કોરિડોર
કાશી વિશ્વનાથ કોરિડોર 3 ભાગોમાં વહેંચાયેલું છે. પહેલો મંદિરનો મુખ્ય ભાગ છે જે લાલ રેતીના પથ્થરથી બનેલો છે. તેમાં 4 મોટા દરવાજા છે. તેની આસપાસ પરિક્રમાનો માર્ગ બનાવવામાં આવ્યો છે. તે પરિક્રમા માર્ગ પર આરસના 22 શિલાલેખ મૂકવામાં આવ્યા છે, જેમાં કાશીની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. કોરિડોરમાં 24 ઇમારતો પણ બનાવવામાં આવી રહી છે.
આ ઇમારતોમાં મુખ્ય મંદિર સંકુલ, મંદિર ચોક, મુમુક્ષુ ભવન, ત્રણ યાત્રી સુવિધા કેન્દ્રો, ચાર શોપિંગ કોમ્પ્લેક્સ, મલ્ટીપર્પઝ હોલ, સિટી મ્યુઝિયમ, વારાણસી ગેલેરી, રિફ્રેશમેન્ટ સેન્ટર, ગંગા વ્યૂ કાફે વગેરે હશે. ધામની ચમક વધારવા માટે વિવિધ પ્રકારની 5,000 લાઈટો લગાવવામાં આવી છે. આ ખાસ પ્રકારની લાઇટો દિવસ, બપોર અને રાત્રે રંગ બદલતી રહેશે.
આ પણ વાંચો : સસ્પેન્ડેડ સાંસદોના મામલે કેન્દ્રની પહેલ, 5 રાજકીય પક્ષોની બેઠક બોલાવાઈ, વિપક્ષે કહ્યું- બેઠકમાં સામેલ નહીં થાય
આ પણ વાંચો : દેશમાં ઓમિક્રોનના 151 કેસ, AIIMSના ડિરેક્ટરે કહ્યું- પૂરી તૈયારી કરવી જોઈએ, બ્રિટન જેવી ખરાબ સ્થિતિ ન થવી જોઈએ
Published On - 7:52 am, Mon, 20 December 21