કોલકાતા બળાત્કાર અને હત્યા કેસમાં, 14 અને 15 ઓગસ્ટની મધ્યવર્તી રાત્રે, સેંકડો ડોકટરો અને સામાન્ય લોકો ‘રીક્લેમ ધ નાઈટ’ હેઠળ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બહાર વિરોધ કરી રહ્યા હતા. તે દરમિયાન ગુંડાઓનું ટોળું ત્યાં આવી પહોંચ્યું હતું અને મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. હવે આ કેસમાં કોલકાતા પોલીસના ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કોલકાતા પોલીસે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં વિરોધ દરમિયાન ટોળા દ્વારા હુમલો અને તોડફોડના સંબંધમાં ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. હિંસા બાદ જે ત્રણ પોલીસકર્મીઓ પર આ કાર્યવાહી કરવામાં આવી છે તેમાંથી બે આસિસ્ટન્ટ કમિશનર રેન્કના ઓફિસર છે, જ્યારે એક ઈન્સ્પેક્ટર છે. ત્રણેયને 14 અને 15 ઓગસ્ટની મધ્યરાત્રિએ સ્થળ પર ધમાલ અટકાવી ન શકવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સ્થળ પર હંગામો અને ગુંડાગીરી રોકવા માટે યોગ્ય પગલાં ન લેવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. કોલકાતા પોલીસે આ ત્રણ પોલીસ અધિકારીઓ સામે વિભાગીય તપાસના આદેશ પણ આપ્યા છે.
કોલકાતા બળાત્કાર અને હત્યા કેસમાં ન્યાયની માંગણી સાથે 14 અને 15 ઓગસ્ટની રાત્રે ડોક્ટરોએ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બહાર ‘રીક્લેમ ધ નાઈટ’ના નામે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. રાત્રે લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે ચાલુ રહ્યું. આ પછી, એવું જોવા મળ્યું કે હજારોની ભીડ ત્યાં આવી ગઈ અને પ્રદર્શનના નામે હોસ્પિટલની બહાર વિરોધ માટે બનાવેલા સ્ટેજને તોડી નાખ્યું. બદમાશો અહીંથી ન અટક્યા. તેઓએ હોસ્પિટલની અંદર પણ હંગામો મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી.
વિરોધ સ્થળે હાજર પોલીસકર્મીઓ સાથે ટોળાએ ઝપાઝપી પણ કરી હતી. મધરાતે બનેલી આ ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. ટીએમસી સાંસદ અને સીએમ મમતા બેનર્જીના ભત્રીજાએ પોલીસ કમિશનર સાથે વાત કરી અને કડક કાર્યવાહી કરવા જણાવ્યું. કોલકતા પોલીસ કમિશનર પણ રાત્રે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાદમાં બદમાશોને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. આ ઘટના બાદ ભારે રાજનીતિ થઈ હતી અને વિપક્ષોએ મમતા સરકારને ઘેરી હતી. હિંસાની આ ઘટના બાદ પોલીસે ઘણા લોકોની ધરપકડ પણ કરી હતી.
આ પણ વાંચો: Video: યોગગુરુ બાબા રામદેવે અમેરિકામાં ડ્રાઇવર વગરની કારમાં કરી મુસાફરી, જણાવ્યો પોતાનો અનુભવ