આમ આદમી પાર્ટીએ એક્સાઇઝ કૌભાંડમાં દિલ્લીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડના વિરોધમાં દેશવ્યાપી વિરોધનું આહ્વાન કર્યું છે. આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા બગડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને દિલ્લી પોલીસે એલર્ટ જાહેર કર્યું છે. મનીષ સિસોદિયાની સીબીઆઈએ રવિવારે રાત્રે જ પૂછપરછ દરમિયાન ધરપકડ કરી હતી. સિસોદિયા પર વર્ષ 2021-22 માટે આબકારી નીતિ જાહેર કરવા અને તેના અમલમાં અનિયમિતતા આચરી હોવાનો આરોપ લાગ્યો છે.
આ સંબંધમાંમનીષ સિસોદિયાની ધરપકડ કરતા પહેલા, સીબીઆઈએ તેમની લગભગ આઠ કલાક પૂછપરછ કરી હતી. દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આને વિકાસને ગંદી રાજનીતિ ગણાવી છે. તેમણે કહ્યું કે સિસોદિયાની આ રીતે ધરપકડથી દેશવાસીઓમાં ગુસ્સો છે અને જનતા તેનો જવાબ ચોક્કસ આપશે. તેમણે કહ્યું કે સિસોદિયાએ દિલ્લીના શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર પર ઘણું કામ કર્યું છે. જેના કારણે લાખો દિલ્લીવાસીઓના આશીર્વાદ તેમની સાથે છે. કેજરીવાલના કહેવા પ્રમાણે, અમને કોઈ ફરક નથી પડતો કે અમે જેલમાં હોઈએ કે બહાર, અમે એવા લોકો છીએ, જેઓ ભગત સિંહને માનીએ છીએ અને કટ્ટર ઈમાનદાર છીએ. અમારી પ્રામાણિકતા તેમના માટે જવાબ હશે.
એક્સાઈઝ કૌભાંડમાં સીબીઆઈ આજે નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરશે. આ દરમિયાન તેમની સામેના આરોપોની યાદી સાથે સીબીઆઈ તેના સમર્થનમાં સંબંધિત દસ્તાવેજો પણ કોર્ટમાં દાખલ કરશે. શક્ય છે કે સીબીઆઈ વધુ પૂછપરછ માટે સિસોદિયાના કસ્ટડી રિમાન્ડ પણ માંગે. આ માટે સીબીઆઈએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
મનીષ સિસોદીયાની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી ગુજરાત એકમ દ્વારા ગાંધીનગર ખાતે રાજ્યસ્તરનુ વિરોધ પ્રદર્શન યોજશે. આમ આદમી પાર્ટીએ, મનીષ સિસોદીયાની ધરપકડને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું છે. આમ આદમી પાર્ટી ગુજરાત એકમ દ્વારા, ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આજે સોમવાર 27 ફેબ્રુઆરીના સવારે ધરણા પ્રદર્શનનું આયોજન કરાયું છે.
આમ આદમી પાર્ટીના વિરોધને જોતા દિલ્લી પોલીસે દિલ્લીની અંદર એલર્ટ જાહેર કર્યું છે. દિલ્લી પોલીસે પહેલેથી જ કલમ 144 લાગુ કરી દીધી છે. દિલ્લી પોલીસે ચેતવણી આપી છે કે, કાયદો અને વ્યવસ્થાને પોતાના હાથમાં લેનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
CBI દ્વારા મનીષ સિસોદિયાની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીએ દેશવ્યાપી વિરોધની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો જિલ્લા મુખ્યાલયમાં CBI અને BJP વિરુદ્ધ મેમોરેન્ડમ આપશે.
ધરપકડ બાદ પણ CBI અધિકારીઓએ મનીષ સિસોદિયાની લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી. કોર્ટમાં હાજર થતાં પહેલાં જરૂરી પૂછપરછ પ્રક્રિયા પૂરી કરી હતી.
સીબીઆઈએ રવિવારે રાત્રે આઠ કલાકની પૂછપરછ બાદ દિલ્લીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ તેને સીબીઆઈ હેડ ક્વાર્ટરમાં રાખવામાં આવ્યા છે.
Published On - 7:48 am, Mon, 27 February 23