
નિવૃત્ત શાળાના શિક્ષક વર્માજીએ એક વખત ગણવાનો પ્રયાસ કર્યો કે તેમણે અત્યાર સુધીમાં પોતાના આધારકાર્ડની કેટલી વાર ફોટોકૉપી આપી છે. 31મી નકલ પછી તેમણે પેન્સિલ મૂકી દીધી. એક નકલ બેંક પાસે હતી. ફોનની દુકાન પાસે, ગૅસ એજન્સી પાસે, તે જિમ પાસે જ્યાં તેમનો દીકરો તેમને લઈ ગયો હતો અને પહાડી વિસ્તારના એક નાનકડા શહેરની હોટેલ પાસે પણ, જ્યાં તેઓ 2019માં માત્ર એક રાત રોકાયા હતા.
આ તમામ સ્થળોની કોઈ ને કોઈ ડ્રોઅરમાં તેમનો ચહેરો, તેમનો નંબર અને તેમનું સરનામું પડ્યું હતું. પરંતુ આટલી બધી જગ્યાએ આધારકાર્ડની નકલ શા માટે જરૂરી હતી, તે અંગે કોઈએ તેમને ક્યારેય સમજાવ્યું હોય એવું તેઓ નિષ્ઠાપૂર્વક કહી શકતા નહોતા. આ જ આ કાર્ડની વિચિત્રતા છે.
કદાચ આ દેશનો સૌથી વધુ નિઃસંકોચ રીતે નકલ કરવામાં આવતો દસ્તાવેજ આધારકાર્ડ છે અને આપણામાંથી ભાગ્યે જ કોઈએ ક્યારેય થોભીને એવો પ્રશ્ન કર્યો હશે કે તેની નકલ માગનાર વ્યક્તિને ખરેખર તે માગવાનો અધિકાર છે કે નહીં. તેમના પૌત્ર રોહનને શાળામાં આ જ વિષય પર પ્રોજેક્ટ મળ્યો હતો અને તેણે આ અંગે માહિતી મેળવવાનું નક્કી કર્યું.
સૌપ્રથમ રોહને જાણ્યું કે આધારકાર્ડ ખરેખર શું છે. આધાર એ 12 અંકનો એક નંબર છે. જે વ્યક્તિની આંગળીઓની છાપ, આંખની કીકી અને ફોટોગ્રાફ સાથે જોડાયેલો હોય છે. તેની રચના માત્ર એક જ બાબત સાબિત કરવા માટે કરવામાં આવી છે કે તમે જે હોવાનો દાવો કરો છો, તે જ વ્યક્તિ છો. એટલે કે, તે ઓળખનો પુરાવો છે, નાગરિકતાનો નહીં.
આધાર કાયદો પોતે જ સ્પષ્ટ કરે છે કે આ નંબરના આધારે વ્યક્તિને નાગરિકતા કે ભારતમાં વસવાટનો કોઈ અધિકાર મળતો નથી અને તે આ બંનેમાંથી કોઈનો પુરાવો પણ નથી. આ સમજવું સરળ છે, કારણ કે આધારકાર્ડ ભારતના રહેવાસીઓને આપવામાં આવ્યું હતું, માત્ર નાગરિકોને જ નહીં. 2025માં બિહારમાં મતદાર યાદી અંગેના વિવાદ દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરી સ્પષ્ટ કર્યું હતું કે આધાર નાગરિકતાનો નિર્ણાયક પુરાવો નથી.
ત્યારબાદ તેની સામે એક મુશ્કેલ પ્રશ્ન આવ્યો કે આધારકાર્ડ કોણ માગી શકે અને કયા હેતુ માટે? આનો જવાબ 26 સપ્ટેમ્બર 2018ના રોજ મળ્યો, જ્યારે સુપ્રીમ કોર્ટે ન્યાયમૂર્તિ કે.એસ. પુટ્ટસ્વામી સંબંધિત કેસમાં ચુકાદો આપ્યો. અદાલતે આધારને માન્યતા આપી, પરંતુ તેના ઉપયોગ માટે કેટલીક મર્યાદાઓ પણ નક્કી કરી. કલ્યાણકારી યોજનાઓ અને સબસિડી માટે આધારકાર્ડ માગી શકાય છે, કારણ કે તેના દ્વારા નાણાં યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડી શકાય છે. મોબાઇલ કંપનીઓ સિમકાર્ડ આપવા માટે આધારકાર્ડ ફરજિયાત બનાવી શકતી નથી. ઉપરાંત, તેમને એકત્રિત કરેલો આંગળીઓની છાપ અને આંખની કીકીનો ડેટા કાઢી નાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
શાળાઓ અને પરીક્ષા બોર્ડ પ્રવેશ આપતા પહેલાં આધારકાર્ડ માગી શકતા નથી, કારણ કે શિક્ષણ એ અધિકાર છે, કોઈની મહેરબાની નહીં. ખાનગી કંપનીઓ પણ કરારના આધારે ગ્રાહકો પર આધારકાર્ડ આપવાની ફરજ લાદી શકતી નથી. બાળકનું આધાર નોંધણી માત્ર માતા-પિતાની સંમતિથી જ થઈ શકે છે અને 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી તે આ વ્યવસ્થામાંથી બહાર નીકળી શકે છે. આ ચુકાદા પર તમામ ન્યાયાધીશો એકમત નહોતા.
એક ન્યાયાધીશે અનેક મુદ્દાઓ પર બહુમતીના નિર્ણય સાથે અસંમતિ દર્શાવી હતી. આ બાબત યાદ અપાવે છે કે એક જ કાર્ડને અલગ-અલગ લોકો અલગ રીતે જોઈ શકે છે. વર્માજી ઠંડી થતી ચા સાથે આ બધું સાંભળતા રહ્યા. તેમણે કહ્યું, “પણ જિમવાળાએ તો મારી પાસેથી આધારકાર્ડ માગ્યું જ હતું.” રોહને માથું હલાવ્યું. તેને આ સમગ્ર વાર્તાનો સૌથી મહત્ત્વનો મુદ્દો આ જ લાગ્યો હતો. અદાલતમાં નિયમ બદલાઈ ગયો, પરંતુ કાઉન્ટર પરની આદત બદલાઈ નહીં.
જે કર્મચારી વર્ષોથી આધારકાર્ડની ફોટોકૉપી માગતો આવ્યો છે, તે આજે પણ માગે છે અને જે ગ્રાહક વર્ષોથી આપતો આવ્યો છે, તે આજે પણ આપે છે. કાયદો અને નિયમો ચુકાદામાં ઝડપથી બદલાય છે, પરંતુ લોકોની લાંબી કતારમાં આ પરિવર્તન ધીમે પહોંચે છે. મોટાભાગે આ નકલો કોઈ ખરાબ ઇરાદાથી લેવામાં આવતી નથી.
આ માત્ર એક આદત છે અને કોઈપણ સરકારી કે ખાનગી કચેરીમાં આદત કરતાં વધુ ધીરજવાન શક્તિ બીજી કોઈ નથી. એક બીજી બાબત પણ હતી, જેને રોહન લગભગ છોડી જ દેવાનો હતો, કારણ કે તે થોડી દુઃખદાયક હતી. આંગળીઓની છાપ વાંચતાં મશીનો મોટાભાગના લોકો માટે યોગ્ય રીતે કામ કરે છે. પરંતુ જે હાથોએ દાયકાઓ સુધી પથ્થરો તોડ્યા હોય અથવા શેરડી કાપી હોય, તેમની આંગળીઓની છાપ ઘસાઈ જાય છે.
અહેવાલોમાં ઘણા સમયથી જણાવવામાં આવતું રહ્યું છે કે જ્યારે મશીન અંગૂઠાની છાપ વાંચી શકતું નથી, ત્યારે વ્યક્તિની પોતાની કોઈ ભૂલ ન હોવા છતાં તેને રેશનની દુકાન અથવા પેન્શનના કાઉન્ટર પરથી ખાલી હાથે પાછા ફરવું પડી શકે છે. રોહને પોતાના પ્રોજેક્ટમાં લખ્યું કે મશીન દ્વારા કરવામાં આવેલો ઇનકાર હંમેશાં તેની સામે ઊભેલી વ્યક્તિ વિશેનું સાચું ચિત્ર રજૂ કરતો નથી.
પ્રોજેક્ટના અંતમાં તેણે એક નાની યાદી ઉમેરી કે આધારકાર્ડ શું નથી. તે મતદાર ઓળખપત્ર નથી. તે પાસપોર્ટ નથી. તે ઉંમરનો ચોક્કસ પુરાવો પણ નથી, કારણ કે જન્મતારીખ ઘણીવાર નોંધણી સમયે વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે નોંધાયેલી હોય છે.
દરેક દસ્તાવેજ એક ચોક્કસ પ્રશ્નનો જવાબ આપે છે અને સમસ્યા ત્યારે શરૂ થાય છે, જ્યારે આપણે એક જ કાર્ડ પાસેથી દરેક પ્રશ્નના જવાબની અપેક્ષા રાખવા લાગીએ છીએ. તેણે એ પણ .લખ્યું કે કોઈપણ વ્યક્તિ UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાના બાયોમેટ્રિક્સ લોક કરી શકે છે અને જરૂર પડે ત્યારે જ તેને અનલોક કરી શકે છે.
આ વાતથી અજાણ એવા તેમના દાદાજીએ કહ્યું, “મને પણ બતાવ કે આ કેવી રીતે કરવું.” વર્માજીએ ડ્રોઅરમાં પડેલી આધારકાર્ડની જૂની ફોટોકૉપીની રસીદોનો ઢગલો જોયો. હવે તે કદાચ કોઈના પણ કામની નહોતી, સિવાય કે કદાચ કોઈ એવી વ્યક્તિના, જેને તેઓ ક્યારેય મળવાના પણ નહોતા. શું તમને ખબર છે કે આજે તમારા આધારકાર્ડની ફોટોકૉપી ક્યાં-ક્યાં પડેલી છે અને તે કોની પાસે છે?
સ્રોત: આધાર (નાણાકીય અને અન્ય સહાય, લાભો તથા સેવાઓનું લક્ષિત વિતરણ) અધિનિયમ, 2016; ન્યાયમૂર્તિ કે.એસ. પુટ્ટસ્વામી (નિવૃત્ત) વિરુદ્ધ ભારત સંઘ (આધાર ચુકાદો), સુપ્રીમ કોર્ટ, 26 સપ્ટેમ્બર 2018; આધાર અને નાગરિકતા અંગે સુપ્રીમ કોર્ટની 2025ની ટિપ્પણીઓ સંબંધિત અહેવાલો; UIDAI. વર્માજી અને રોહન કાલ્પનિક પાત્રો છે; તથ્યો કાલ્પનિક નથી.