
એક મહિનામાં 56 છોકરીઓના ગુમ થવાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગઈ છે. ગુમ થયેલી મોટાભાગની છોકરીઓ સગીર અને આર્થિક રીતે નબળા પરિવારની છે. જણાવી દઈએ કે, આ કેસ યુપીના આંબેડકર નગર જિલ્લાનો છે.
છેલ્લા એક મહિનામાં અહીંના 18 પોલીસ સ્ટેશનમાં કુલ 56 અપહરણની FIR નોંધાઈ છે. આમાંની મોટાભાગની પીડિતાઓ સગીર, અનુસૂચિત જાતિ અને આર્થિક રીતે નબળા પરિવારોની છે. લગભગ દોઢ ડઝન કેસોમાં પરિવારોએ ફરિયાદ પણ નોંધાવી નથી. અપહરણના કેસ જોઈએ તો કુલ 56 કેસ નોંધાયા છે.
આમાં અકબરપુરમાં અપહરણના 11 કેસ, માલીપુરમાં અપહરણના 9 કેસ, જલાલપુરમાં અપહરણના 8 કેસ, આહિરોલીમાં અપહરણના 7 કેસ, બાસખારીમાં અપહરણના 6 કેસ, જૈતપુરમાં 5 કેસ, મહરુઆ અને સન્માનપુરમાં 3-3 કેસ, ઇબ્રાહિમપુર અને ભીટીમાં 2-2 કેસનો સમાવેશ થાય છે.
વિશ્વ હિન્દુ પરિષદે આ બધા કેસોને “લવ જેહાદ” નું કાવતરું ગણાવ્યું છે અને કહ્યું છે કે, એક નેટવર્ક હિન્દુ છોકરીઓને નિશાન બનાવી રહ્યું છે. પોલીસ અધિક્ષક કેશવ કુમારે જણાવ્યું હતું કે, “18 વર્ષથી ઓછી ઉંમરની કિશોરીઓના અપહરણના કેસ તાત્કાલિક નોંધવામાં આવી રહ્યા છે અને તેમાં રિકવરી કરવામાં આવી રહી છે.
અત્યાર સુધી કોઈ લવ જેહાદ કે નેટવર્કની પુષ્ટિ થઈ નથી. ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.” આંબેડકર નગરના સાંસદ લાલજી વર્માએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સતત વધી રહ્યા છે અને સરકાર તેને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી છે.
લાલજી વર્માએ અનુસૂચિત જાતિ અને નબળા વર્ગની છોકરીઓને નિશાન બનાવનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે, 15 જુલાઈના રોજ માલીપુરમાં લગ્નના બહાને એક છોકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ધર્મ પરિવર્તન કરાવીને લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે.
બીજીબાજુ અકબરપુરમાં એક હાઇ-સ્કૂલની વિદ્યાર્થીની સાથે નકલી નામથી ચેટ કરવામાં આવી હતી અને મોબાઇલ તેમજ પૈસા આપીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરિવારની ફરિયાદ છતાં કોઈ કેસ નોંધવામાં આવ્યો ન હતો.
બીજા એક કિસ્સામાં 11માં ધોરણની એક વિદ્યાર્થીનીનું શાળાએ જતી વખતે અપહરણ કરવામાં આવ્યું હતું અને ધર્મ પરિવર્તન કરાવીને લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. પોલીસે FIR નોંધીને તપાસ શરૂ કરી છે.