વિદેશ મંત્રાલયે (Foreign Ministry) ગુરુવારે કહ્યું કે પહેલી એડવાઈઝરી જાહેર કરવામાં આવી ત્યારથી 18,000 ભારતીયોએ યુદ્ધગ્રસ્ત યુક્રેનની સરહદ છોડી દીધી છે. બુધવારે જાહેર કરાયેલ એડવાઈઝરીના પાલનમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ખાર્કિવ (Kharkiv) છોડીને નજીકના પેસોચિન પહોંચ્યા છે, જેની અંદાજિત સંખ્યા એક હજાર છે. તેમજ ભારતીયોને પરત લાવવા માટે આગામી 24 કલાક માટે 18 ફ્લાઈટ નક્કી કરવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના ઓપરેશનની ગતિ ઝડપથી વધી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પત્રકારોને જણાવ્યું હતું કે, અમે ખાર્કિવ, સુમી અને પૂર્વી યુક્રેનના અન્ય શહેરો પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.
અરિંદમ બાગચીએ કહ્યું કે સરકારનો અંદાજ છે કે એડવાઈઝરી છતાં સોથી વધુ ભારતીયો હજુ પણ ખાર્કિવમાં છે. બુધવારે યુક્રેનમાં ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલ સલાહના પાલનમાં, મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ખાર્કિવ છોડીને નજીકના પેસોચીનમાં હતા, જેની અંદાજિત સંખ્યા 1,000 છે. તેમણે કહ્યું કે, ખાર્કિવ છોડીને પેસોચીનમાં આવેલા ભારતીયોને યુક્રેનના પશ્ચિમ ભાગમાં ખસેડવાનું કામ ચાલી રહ્યું છે.
પ્રવક્તાએ કહ્યું કે ભારતીયોને પરત લાવવા માટે આગામી 24 કલાક માટે 18 ફ્લાઈટ્સ નક્કી કરવામાં આવી છે. બાગચીએ કહ્યું કે ભારતીય અધિકારીઓ યુક્રેનના ખાર્કિવ અને સુમીમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે યુક્રેનિયન અને રશિયન અધિકારીઓના સંપર્કમાં છે. ત્યાં યુદ્ધની સ્થિતિ છે અને પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. સમગ્ર સરકારી તંત્ર દિવસ-રાત કામ કરી રહ્યું છે.
યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લાવવા માટે ભારતે ‘ઓપરેશન ગંગા’ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત હંગેરી, રોમાનિયા, પોલેન્ડ અને સ્લોવાકિયાથી ભારતીયોને યુક્રેનમાંથી બોર્ડર પોસ્ટ દ્વારા બહાર કાઢીને હવાઈ માર્ગે સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે.
યુક્રેનમાં ભારતીય દૂતાવાસે બુધવારે વિદ્યાર્થીઓ સહિત તેના તમામ નાગરિકોને પોતાની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તરત જ ખાર્કિવ છોડી દેવા જણાવ્યું હતું. દૂતાવાસે કહ્યું હતું કે ભારતીય નાગરિકોએ વહેલામાં વહેલી તકે ખાર્કિવ છોડીને પેસોચિન અને બાબાયે પહોંચવું જોઈએ, જે લગભગ 16 કિમીની ત્રિજ્યામાં છે.
આ પણ વાંચો : Operation Ganga: 5 માર્ચ સુધીમાં 15,000થી વધુ નાગરિકો વતન પરત ફરશે, જાણો સમગ્ર વિગત
આ પણ વાંચો : Russia Ukraine War: બનારસમાં પીએમ મોદીએ યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી, તેમની સ્થિતિ વિશે કરી પૂછપરછ