Vaccine On Wheels : મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ (Rajesh Tope) આજે પૂણેમાં વેક્સીન ઓન વ્હીલ્સ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. આ પ્રોગ્રામથી હવે જ્યાં જરૂર હોય ત્યાં વેક્સિન આપી શકાશે. એટલે કે જે લોકો રસીકરણ કેન્દ્રમાં (Vaccination Center) રસી લેવા માટે આવી શકતા નથી અથવા તો એવા છેવાડાના વિસ્તારોમાં જ્યાંથી રસીકરણ કેન્દ્ર દૂર છે, ત્યાંના લોકો સુધી વેક્સિન પહોંચાડી શકાશે.
આ સિવાય મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે રાજ્ય સરકારે 15 ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. પરંતુ ઘણી શાળા પ્રશાસન અને વાલીઓ તરફથી શાળા ફરીથી ખોલવાની માંગ ઉઠી રહી છે. ગુરૂવારે કેબિનેટની બેઠકમાં પણ આ અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે, રાજેશ ટોપેએ પુણેમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી.
રાજેશ ટોપેએ કહ્યુ કે, ‘આજે અમે વેક્સીન ઓન વ્હીલ્સ પ્રોગ્રામનું ઉદ્ઘાટન કર્યું. આ વાહનો દ્વારા જ્યાં જરૂર હોય ત્યાં રસી આપી શકાય છે. હાલમાં રાજ્યમાં રસીકરણ વધારવાની જરૂર છે. રાજ્યમાં કોવિડના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. કોવિડમાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. મૃત્યુ પણ ઓછા નોંધાઈ રહ્યા છે. ઓક્સિજન અને ICU બેડની માંગ પણ ઓછી છે. હાલ કોરોના નિયંત્રણમાં છે. જેમાં રસીકરણની મોટી ભૂમિકા છે. આ સાથે તેણે લોકોને વેક્સિન લેવા પણ અપીલ કરી હતી.
આ સાથે રાજેશ ટોપેએ શાળા ફરીથી શરૂ કરવાના મુદ્દે કહ્યુ કે, ‘મુખ્યમંત્રી આવતીકાલે કેબિનેટની બેઠકમાં (Cabinet Committee) આ અંગે નિર્ણય લઈ શકે છે. વધતા કોરોના સંક્રમણને કારણે રાજ્યમાં નવા નિયંત્રણો લાગુ કરવા પડ્યા હતા. કોરોનાની ત્રીજી લહેરની દહેશતને પગલે શાળાઓ ફરીથી બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે કોરોના સંક્રમણ ઘટતા ફરી એકવાર શાળા શરૂ કરવાની માંગ વધી રહી છે. આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં શાળાઓ શરૂ કરવી કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો : Mumbai : પોલીસકર્મીઓ પર કોરોનાનુ ગ્રહણ, માત્ર એક દિવસમાં 28 પોલીસકર્મી થયા કોરોના સંક્રમિત