અમિત શાહની સુરક્ષામાં ચૂક થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ પુણેની બે દિવસીય મુલાકાતે છે, ત્યારે શનિવારે એક અજાણ્યો વ્યક્તિ સ્થાનિક પોલીસને ચકમો આપીને તેના કાફલામાં ઘૂસ્યો. તેઓ પોતાને સીએમ એકનાથ શિંદે અને તેમના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદેના નજીકના ગણાવતા હતા. IB ટીમની નજર આ વ્યક્તિની ગતિવિધિઓ પર પડી, જે બાદ તે થોડીવારમાં જ ઝડપાઈ ગયો. પુણે પોલીસે આ વ્યક્તિને ઝડપી લીધો છે.
હાલ અમિત શાહ અલગ-અલગ કાર્યક્રમોના સંદર્ભમાં બે દિવસીય પ્રવાસે છે. જો કે આ બધાની વચ્ચે શંકાસ્પદ યુવક સ્થાનિક પોલીસને ચકમો આપીને કાફલાની અંદર પ્રવેશવામાં સફળ થયો હતો. જો કે અધિકારીઓને આ અજાણ્યા વ્યક્તિની ગતિવિધિઓ પર શંકા ગઈ. ત્યારબાદ આ યુવકનો પીછો કરતા સ્થાનિક પોલીસે તેને પકડી પાડ્યો હતો.
મહત્વનુ છે કે આ પહેલા અમિત શાહ પૂણેના ઓક્સફર્ડ એરપોર્ટ પર પહોંચ્યા હતા. CM એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે તેમનું સ્વાગત કર્યું હતુ. તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે, પાલક મંત્રી ચંદ્રકાંત પાટીલ, પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શેખર સિંહ, પોલીસ કમિશનર વિનય કુમાર ચૌબે પણ હાજર રહ્યા હતા.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક થઈ હતી.કર્ણાટકમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન દરમિયાન PM મોદીએ હુબલીમાં રોડ શો કર્યો હતો. જ્યાં તેમની સુરક્ષામાં ક્ષતિ જોવા મળી હોવાનું સામે આવ્યુ હતુ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જો કે બાદમાં હુબલી પોલીસે કહ્યું હતુ કે, રોડ શોમાં સુરક્ષામાં કોઈ ખામી નહોતી. પોલીસે દાવો કર્યો હતો કે, પીએમ મોદીના આગમન પહેલા લોકોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.