ભારતમાં કોરોના વાયરસના નવા વેરીઅન્ટ ઓમિક્રોનના (New variant of the Corona, Omicron) કેસ વધી રહ્યા છે. મંગળવારે મહારાષ્ટ્રના (Maharashtra) પુણે શહેરમાં ઓમિક્રોનના વધુ દસ નવા કેસ નોંધાયા છે. પૂણેના એક ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે એરપોર્ટ પર લગભગ 30 હજાર મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આમાંથી દસ લોકોનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ઓમીક્રોનથી લડવા માટે પુરતી તૈયારી
અગાઉ સોમવારે મુંબઈમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં આ પ્રકારથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા હવે વધીને 20 થઈ ગઈ છે. દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 33 થઈ ગઈ છે. આ દરમિયાન, મહારાષ્ટ્ર સરકારના મંત્રી અસલમ શેખે જણાવ્યું કે મુંબઈને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. બહારથી આવતા લોકોને ક્વોરેન્ટાઈન કરવા માટે કોવિડ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. અહીં 20 હોટલ પણ છે જ્યાં તેઓ રહી શકે છે. તમામ હોસ્પિટલો અને કોવિડ કેન્દ્રોમાં ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ દરમિયાન, કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ઓમિક્રોનથી સંક્રમિત એક ડૉક્ટર સાજા થયા બાદ ફરીથી કોરોના પોઝિટિવ આવ્યો છે. બેંગ્લોર સ્થિત આ ડૉક્ટર ભારતમાં ઓમિક્રોનના પ્રથમ બે કેસોમાંના એક હતા. જ્યારે બીજો દર્દી જે દક્ષિણ આફ્રિકાનો રહેવાસી હતો. અને વહીવટીતંત્રને જાણ કર્યા વિના દુબઈ ગયો હતો, પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે.
ઓમીક્રોનને ધ્યાને રાખીને જાહેર કરાઈ નવી માર્ગદર્શિકા
આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા સુધારેલા નિયમો હેઠળ હવે વિદેશથી આવતા તમામ લોકોએ RT-PCR ટેસ્ટ કરાવવો જરૂરી બનશે. જો કોઈ વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળે છે, તો તેને કડક રીતે ક્વોરન્ટાઈન કરવામાં આવશે. રાજ્ય પ્રશાસનના નિયમો અનુસાર તેને સારવાર કરાવવી પડશે. જ્યાં સુધી સંબંધિત ઓમિક્રોન સંક્રમિત દર્દીનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી સારવાર ચાલુ રહેશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન રહેશે. આ પછી, આઠમા દિવસે ફરી એકવાર પરીક્ષણ કરવામાં આવશે.