NCB દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા બાદ આજે (15 નવેમ્બર, સોમવાર) સેમ ડિસોઝા (Sam D’Souza) પૂછપરછ માટે હાજર થયો હતો. મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસ મામલે (Mumbai Cruise Drug Case) અને આર્યન ખાનને (Aryan Khan) આ કેસમાંથી બચાવવા શાહરૂખ ખાન (SRK)ના મેનેજર સાથે 25 કરોડની ડીલવાળા મામલાની સત્યતા જાણવા માટે સેમ ડિસોઝા ઉર્ફે સેનવિલે સ્ટેનલી ડિસોઝાને બોલાવવામાં આવ્યો હતો. એનસીબીની ટીમે સૈમનું નિવેદન નોંધ્યું છે.
NCBની દિલ્હી સ્થિત વિજિલન્સ ટીમે સેમને બોલાવીને પૂછપરછ માટે દિલ્હી બોલાવ્યો હતો. સેમ ડિસોઝાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યું નથી. તેણે કહ્યું કે સુનીલ પાટીલ અને કિરણ ગોસાવીએ તેને ફોન પર કહ્યું હતું કે આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યું નથી. તે નિર્દોષ છે. તેથી માનવતાની રીતે તેણે ગોસાવીનો શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી દ્વારા સંપર્ક કરાવ્યો. ગોસાવી આ બાબતે કોઈ સોદો કરવા જઈ રહ્યો છે, તેની તેમને જાણ નહોતી. હવે NCBની SIT ટીમ પણ સેમ ડિસોઝાને પૂછપરછ માટે બોલાવશે.
પૂછપરછ પછી અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતી વખતે સેમ ડિસોઝાએ કહ્યું કે ‘આર્યન ખાનને બચાવવા માટે ડીલની આખી યોજના સુનીલ પાટીલ અને કિરણ ગોસાવીએ ઘડી હતી. હું આ સોદામાં સામેલ નહોતો.
સોદો નક્કી થયા બાદ કિરણ ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સૈલે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી પાસેથી ટોકન મની તરીકે 50 લાખ રૂપિયા લીધા હતા. મને ખબર ન હતી કે આવી કોઈ ડીલ થઈ રહી છે. મને તેના વિશે પછીથી ખબર પડી. જો મેં ડીલમાં ભાગ લીધો હોત તો મારા ખાતામાં પણ થોડા પૈસા આવવા જોઈતા હતા?
સેમ ડિસોઝાએ પૂછપરછમાં જણાવ્યું કે તે કિરણ ગોસાવીને પહેલાથી ઓળખતો ન હતો. સુનિલ પાટીલ પાસેથી તેને ગોસાવીનો નંબર મળ્યો હતો. તેણે ગોસાવીનો નંબર એનસીબીને મોકલી આપ્યો હતો. એટલે કે સેમે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે એક તરફ તેણે ગોસાવીનો NCB અધિકારીઓ સાથે અને બીજી તરફ શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી સાથે સંપર્ક કરાવ્યો હતો. પરંતુ પૂછપરછમાં સેમ ડિસોઝાએ સ્પષ્ટપણે ઈનકાર કર્યો હતો કે તેને કોઈપણ પ્રકારની ડીલ થઈ રહી હોવાની જાણ હતી.
સેમે જણાવ્યું કે જ્યારે આર્યનની નિર્દોષ હોવાની વાત સામે આવી ત્યારે તેણે ગોસાવીનો પૂજા અને NCB સાથે સંપર્ક માનવતાના નાતે સંપર્ક કરાવ્યો. સેમે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે 3 ઓક્ટોબરના રોજ ગોસાવી અને પૂજા દદલાણી વચ્ચે મુલાકાત થઈ હતી. પરંતુ તેને આ ડીલ વિશે કોઈ જાણકારી નહોતી. દરમિયાન, સેમના વકીલ પંકજ જાધવે કહ્યું કે સેમના જીવને ખતરો છે, તેથી તેને સુરક્ષા મળવી જોઈએ.
સેમ ડિસોઝાએ કહ્યું કે તે સમીર વાનખેડેને માત્ર એક જ વાર મળ્યો છે. એનસીબીના અન્ય અધિકારી વીવી સિંહ સાથે લીક થયેલી ઓડિયો ક્લિપ અંગે સેમે કહ્યું કે એનસીબીએ તેમને વીડ બેકરીના કેસમાં નોટિસ મોકલી હતી. તે ઓડિયો ક્લિપમાં તે સંબંધિત અધિકારી સાથે આ અંગે વાત કરી રહ્યો હતો. પરંતુ તેણે NCB અધિકારીઓ સાથે પોતાની ઓળખાણ હોવાની વાત છુપાવી ન હતી.
સેમ ડિસોઝાએ એ પણ જણાવ્યું કે સુનીલ પાટીલ ગોસાવી અને પ્રભાકર સાઈલને ઓર્ડર આપી રહ્યા હતા. સુનિલ પાટીલ ગોસાવીને ઓળખતો હતો. સેમ ડિસોઝાના કહેવા પ્રમાણે સુનીલ પાટીલે ગોસાવીને એવી રીતે ભેળવી દીધો કે તે કોઈ ઈન્ટેલિજન્સ ઓફિસર છે. પાછળથી મને ખબર પડી કે આ માણસ ઠગ છે. સેમ ડિસોઝાએ કહ્યું, ‘પ્રભાકર સાઈલે સુનીલ પાટીલના કહેવા પર 50 લાખ રૂપિયા ભેગા કર્યા હતા.
સુનીલ પાટીલે જ મને કહ્યું કે તેની પાસે ડ્રગની ટીપ છે. તેના કહેવા પર મેં ગોસાવીનો NCB અધિકારીઓ સાથે સંપર્ક કરાવ્યો. બાદમાં જ્યારે મને ખબર પડી કે સુનીલ પાટીલ અને ગોસાવી છેતરપિંડી કરી રહ્યા છે, ત્યારે મેં પૈસા પાછા અપાવ્યા. આ સમગ્ર ખેલ સુનિલ પાટીલ, કિરણ ગોસાવી, પ્રભાકર સાઈલ, મનીષ ભાનુશાલી દ્વારા રચવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : મહારાષ્ટ્રની ધરા ધ્રુજી ! આ જિલ્લામાં એક મહિનામાં બીજી વખત ભુકંપ આવતા લોકોમાં ભયનો માહોલ