Sameer Wankhede : છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. શુક્રવારે સમીર વાનખેડેના નેતૃત્વમાં એનસીબીની ટીમે મુંબઈમાં ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં મુંબઈ એરપોર્ટ પરથી MD ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ મળી આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, NCB ટીમને બાતમી મળી હતી કે એક વ્યક્તિ મુંબઈ એરપોર્ટ પરથી ડ્રગ્સ સપ્લાય કરી રહ્યો છે. આ માહિતીના આધારે NCB દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ડ્રગ્સ સાથે એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જે બહાર આવ્યું છે તે મુજબ ડ્રગ્સનું આ કન્સાઈનમેન્ટ ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી રહ્યું હતું. હાલમાં NCBની ટીમ વધુ તપાસ કરી રહી છે.
આર્યન ખાનને કારણે વાનખેડેનુ નામ ચર્ચામાં આવ્યુ
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં બોલિવૂડ મેગાસ્ટાર શાહરૂખ ખાન (SRK)ના પુત્ર આર્યન ખાન પર કાર્યવાહીને કારણે સમીર વાનખેડેનું નામ ચર્ચામાં આવ્યું હતું. આ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી આર્યન ખાનને લગભગ એક મહિના જેલમાં રહેવું પડ્યું હતું. NCP નેતા અને મંત્રી નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો કે, સમીર વાનખેડેએ શાહરૂખ ખાનના પુત્રને ખંડણી માટે નિશાન બનાવ્યો હતો અને વાસ્તવિક ડ્ર્ગ્સ માફિયા ક્યારેય ક્રૂઝમાં પકડાયા નથી.
આ રીતે સમીર વાનખેડે વિવાદોમાં ફસાયા
બાદમાં જ્યારે આર્યનને કસ્ટડીમાં લેવામાં આવ્યો ત્યારે કિરણ ગોસાઈ નામનો એક વ્યક્તિ, જે સેલ્ફી લેતો જોવા મળ્યો હતો, તેના અંગરક્ષક પ્રભાકર સેઈલે દાવો કર્યો હતો કે, તેણે કિરણ ગોસાઈની સેમ ડિસુઝા નામની વ્યક્તિ સાથેની વાતચીત સાંભળી હતી. આ વાતચીતમાં ગોસાઈ સેમને કહેતા હતા કે આર્યન ખાનને બચાવવા માટે જે 18 કરોડ લેવાના છે તેમાંથી 8 કરોડ સમીર વાનખેડેને આપવાના છે. ખંડણીના આરોપોમાં ઘેરાયા બાદ સમીર વાનખેડેને NCBએ દિલ્હી બોલાવીને પૂછપરછ કરી હતી. અને બાદમાં તેને આર્યન ખાન કેસમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Mumbai Air Pollution: દિલ્હીની જેમ મુંબઈમાં પણ પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે, આ વિસ્તારોમાં સ્થિતિ થઇ રહી છે ભયાનક