કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ (Union Minister Narayan Rane) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને (CM Uddhav Thackeray) થપ્પડ મારવાના નિવેદન પર જે વિવાદ થયો હતો, તેને લઈને આજે (25 ઓગસ્ટ, બુધવારે) એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમની ધરપકડ અને જામીન મુદ્દે તેમણે બોમ્બે હાઈકોર્ટ અને મહાડ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. બોમ્બે હાઈકોર્ટમાં આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ નારાયણ રાણેની પોલીસે મંગળવારે ધરપકડ કરી હતી. જોકે મોડી રાત્રે મહાડ કોર્ટમાં સુનાવણી બાદ તેને જામીન મળી ગયા હતા. આ પછી આજે બોમ્બે હાઈકોર્ટે નાસિક પોલીસને પણ રાણે સામે કોઈ કાર્યવાહી કરવા પર પણ રોક લગાવી હતી. આજે આ સમગ્ર મામલે નારાયણ રાણેએ શિવસેના પર પ્રહાર કર્યા હતા.
નારાયણ રાણેએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે હાઈકોર્ટે મારી તરફેણમાં વાત કરી છે. હું આનાથી વધારે કેસ વિશે કંઈ નહીં કહું. મારા પર જે પણ આરોપ લગાવવામાં આવ્યા હતા, તેમાં કોર્ટનો નિર્ણય મારી તરફેણમાં આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટ અને મહાડ કોર્ટ બંનેએ મારી તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ સાબિત કરે છે કે સત્યનું શાસન હજુ પણ પ્રવર્તે છે. આ દરમિયાન મીડિયાએ પણ મારી ભલમનસાઈનો લાભ લીધો. પરંતુ મારી પાર્ટી મારી સાથે ઉભી રહી.”
મુખ્યમંત્રીએ થોબડું ફોડવાનું નિવેદન આપ્યું, તેનું શું?
મેં એવું શું કહ્યું? મને મારા દેશ પર ગર્વ છે. આ ગૌરવને કારણે મેં તે કહ્યું તે શિવસેનાના મુખ્યમંત્રીએ યોગી આદિત્યનાથનું થોબડું તોડવાની વાત કરી હતી. કહ્યું કે તેમને ચપ્પલથી મારવા જોઈએ. ‘થોબડું તોડવું, ચપ્પલ મારવું’ એ વાત કરવી ગુનો નથી? તમે મારુ કંઈપણ નુકસાન કરી નહીં શકો. ”
‘ફરી જન આર્શીવાદ યાત્રા શરૂ કરીશ’
આગળ નારાયણ રાણેએ કહ્યું પીએમ મોદીને મારામાં વિશ્વાસ છે. તેમની સૂચનાથી મેં જન આર્શીવાદ યાત્રા શરૂ કરી. જનતાને આ માટે ઘણો સહકાર મળી રહ્યો હતો, તેથી વિપક્ષે આવી રમત રમી. જ્યારે હું મારા પુત્રો સાથે ઘરે નહોતો ત્યારે શિવસેના મારા ઘરની બહાર આંદોલન કરી રહી હતી. મારી જન આર્શીવાદ યાત્રા પરમ દિવસથી ફરી શરૂ થઈ રહી છે. આ સરકાર થોડા દિવસની મહેમાન છે.
તેમણે વધુમાં કહ્યું કે તેઓ કેબિનેટ મંત્રી અનિલ પરબ સામે ફરિયાદ નોંધાવશે. મારી ધરપકડ અંગે પોલીસને જે રીતે સૂચના આપી રહ્યા હતા તે તમે બધાએ જોયું. હું કોર્ટમાં અનિલ પરબ સામે કેસ દાખલ કરીશ. મારી પાસે અનિલ પરબનો તમામ હિસાબ છે.
‘જો હું ગેંગસ્ટર હતો તો મને મુખ્યમંત્રી કેમ બનાવ્યો? હું સંજય રાઉતને યોગ્ય જવાબ આપીશ
આગળ નારાયણ રાણેએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે યાદ રાખો કે તમને પણ બે પુત્રો છે. હું તારાથી ડરતો નથી. સંજય રાઉતે લખેલા તંત્રી લેખ પર પુછવામાં આવેલા સવાલ પર નારાયણ રાણેએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને ખુશ કરવા માટે જ સંજય રાઉત લખે છે. તે તંત્રી બનવાને લાયક નથી. તેઓ મને ગુંડા કહે છે. જો હું ગેંગસ્ટર હતો તો શિવસેનાએ મને મુખ્યમંત્રી કેમ બનાવ્યો? તેનો અર્થ શિવસેનામાં બધા ગુંડાઓ છે? હું તેમને 17 સપ્ટેમ્બર પછી તેમને જવાબ આપીશ. 17 સપ્ટેમ્બરે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી છે, માટે અત્યારે બોલવું ઠીક નથી.